Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

૧૯૬૦માં ગુજરાત-મહારાષ્ટ્ર અલગ થતા વલસાડના ઉમરગામ અને મહારાષ્ટ્રના તલસારી તાલુકાની હદનો વિવાદ આજે પણ યથાવત

રાજ્યો વચ્ચેની હદનો વિવાદનો અંત જલ્દી આવે તેવી સ્થાનિકોની માંગ

વલસાડઃ ૧૯૬૦માં ગુજરાત-મહારાષ્ટ્ર અલગ થતા ઉમરગામ તથા મહારાષ્ટ્રના તલસારી તાલુકાની હદનો વિવાદ યથાવત હોવાથી બન્ને રાજ્યોના વહીવટી તંત્ર દ્વારા સર્વે અને મોજણી કરી હોવા છતાં સ્થાનિક તંત્ર દ્વારા યોગ્ય ઉકેલ ન આવતા આ હદમાં આવેલા રહીશોને વહીવટી સમસ્યાની મુશ્કેલીનો સામનો કરવા પડે છે. બન્ને રાજ્યના તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય લેવાય તેવુ લોકો ઇચ્છી રહ્ય છે.

વર્ષ 1960માં મહારાષ્ટ્ર અને ગુજરાત બંને રાજ્યો અલગ થયા બાદ આજે પણ કેટલીક જગ્યાએ મહારાષ્ટ્ર અને ગુજરાતની હદનો વિવાદ વણઉકલ્યો રહ્યો છે. રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા અને મહારાષ્ટ્રના તલાસરી તાલુકાના વચ્ચેની હદનો વિવાદ આજે પણ યથાવત છે. ગુજરાતની સોળસુંબા ગ્રામ પંચાયતમાં આવતા 9 સર્વે નંબર પર મહારાષ્ટ્ર રાજ્ય પણ પોતાનો હક દાવો કરી રહ્યુ છે.

ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્ય વર્ષ 1960માં અલગ થયા હતા. ગુજરાત રાજ્યની સ્થાપના થયા બાદ આજે પણ ગુજરાત ના કેટલાક વિસ્તારોમાં મહારાષ્ટ્ર પોતાનો હકક દાવો કરી રહ્યું છે.. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસુંબા અને મહારાષ્ટ્ર રાજ્યના તલાસરી તાલુકાના વેવજી ગામ વચ્ચેની હદ પર આવેલા સોલસુંબાના કેટલાક સર્વે નંબર પર આજે પણ મહારાષ્ટ્ર રાજ્ય પોતાના હક જતાવી રહ્યુ છે. સોળસુંબા ગ્રામ પંચાયત વર્ષોથી જે વિસ્તારમાં અને જે સર્વે નંબરો પર વીજળી પાણી સહિતની સુવિધા પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે. એવા સર્વે નંબર પર પણ મહારાષ્ટ્ર પોતાનો હક દાવો કરી રહ્યું છે.

આથી સોલસુંબા ગ્રામ પંચાયત દ્વારા પણ મહારાષ્ટ્ર દ્વારા કરવામાં આવી રહેલા દાવાનો વિરોધ કરી રહ્યા છે. ઉમરગામ તાલુકા અને તલાસરી તાલુકાના સ્થાનિક તંત્ર વચ્ચે અત્યાર સુધી પત્રોની આપ-લે થતી હતી. પરંતુ હવે થોડા દિવસ અગાઉ જ મહારાષ્ટ્રના તલાસરી તંત્ર દ્વારા સોળસુંબાના કેટલાક મિલકતધારકોને જમીન માપણીની નોટિસ પાઠવવામાં આવી હતી. આ મિલકત ધારકોએ ઉમરગામ મામલતદાર સહિતના સંબંધિત વિભાગોને આ બાબતની જાણ કરતા આજે સવારથી જ ઉમરગામ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિત સંબંધિત વિભાગોની ટીમ પુરા પોલીસ પ્રોટેક્શન સાથે પૂરી તૈયારી સાથે બોર્ડર પર અડિંગો જમાવ્યો હતો.

જોકે ચારથી પાંચ કલાક સુધી ગુજરાતના અધિકારીઓની ટીમે રાહ જોયા બાદ મહારાષ્ટ્રના તલાસરીથી સરવેયર સહિતની એક ટીમ પોલીસ પ્રોટેક્શન સાથે બોર્ડર પર જગ્યા પર પહોંચી હતી. આથી મહારાષ્ટ્રની અને ગુજરાતની ટીમનો આમનો સામનો થયો. જોકે ઉમરગામ મામલતદાર દ્વારા માપણી કરવા આવેલા સર્વેયર સહિતની ટીમના અધિકારીઓ સાથે વાત કરી વિરોધ નોંધાવ્યો હતો.  રાજ્યો વચ્ચેની હદનો વિવાદ હોવાથી સ્થાનિક તંત્ર નહિ પરંતુ બંને રાજ્ય સરકારો દ્વારા નિવેડો લાવવામાં આવે તેવી વાત કરી હતી.

આ વાત બાદ માપણી બંધ રહી હતી. આ બાબતે હવે ઉમરગામ ટીમ વલસાડ જિલ્લા વહીવટી તંત્ર અને સરકારને રિપોર્ટ કરી જરૂરી કાર્યવાહી કરવાની તૈયારી કરી છે. તો મહારાષ્ટ્રની ટીમે પણ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.

(5:04 pm IST)