Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

બોરસદ તાલુકાના નાપા ગામે પાર્ક કરેલ ટ્રેક્ટરની પાછળ એક્ટિવા ઘુસી જતા એકનું મૃત્યુ

આણંદ : બોરસદ તાલુકાના નાપા ગામના ખોડીયાર મંદીર નજીક રસ્તાની એકતરફ પાર્ક કરેલ ટ્રેક્ટરની ટ્રોલી સાથે ટુવ્હીલરના ચાલકે પોતાનું વાહન બેફીકરાઈથી હંકારી લાવી અકસ્માત સર્જતા ટુવ્હીલર પાછળ બેઠેલ એક શખ્સનું ગંભીર ઈજાઓ પહોંચતા કરૂણ મોત નિપજ્યું હતું. બનાવ અંગે બોરસદ ગ્રામ્ય પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બોરસદ તાલુકાના બોચાસણ ગામે રહેતા કેતનભાઈ ઉર્ફે ભુરીયો રમેશભાઈ પરમાર ગત તા.૨૫મી માર્ચ-૨૦૨૩ના રોજ ઉમેશભાઈ સાથે ટ્રેક્ટર લઈ બોચાસણથી મોગરી જવા નીકળ્યા હતા. દરમ્યાન રાત્રીના આઠેક વાગ્યાના આસપાસના સુમારે નાપા ખોડીયાર મંદિર પાસે સાહીન ટ્રેડર્સ નજીક આવતા ટ્રેક્ટરમાં ડીઝલ પુરુ થઈ જતા ટ્રેક્ટર રોડની સાઈડે પાર્ક કરી મુક્યું હતું. સમયે એક એક્ટીવાના ચાલકે પોતાનું વાહન પૂરઝડપે તેમજ બેફીકરાઈથી હંકારી લાવતા રોડની સાઈડમાં ઉભેલ ટ્રેક્ટરની ટ્રોલીની પાછળના ભાગે ટુવ્હીલર ધડાકાભેર અથડાયું હતું. અકસ્માતમાં એક્ટીવા પર સવાર બંને શખ્સો રસ્તા ઉપર પટકાયા હતા. જેને લઈ પાછળ બેઠેલ કૌશિકભાઈ અશોકભાઈ સોલંકીને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું કરૂણ મોત નિપજ્યું હતું. બનાવ અંગે કેતનભાઈ ઉર્ફે ભુરીયો પરમારે બોરસદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરીયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(7:10 pm IST)