Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

ચૈત્રી નવરાત્રીમાં ઉપવાસ કરતા લોકોમાં ફરાળ માટે સાબુદાણાની ખીચડી ખાવાનો મહીમા

પલાળેલા સાબુદાણામાં સીંગદાણાનો પાવડર, સિંધવ મીઠુ મિક્‍સ કરી અન્‍ય મસાલા નાખી સ્‍વાદિષ્‍ટ ખીચડી બનાવી શકાય

અમદાવાદઃ નવરાત્રીનું વ્રત ચાલી રહ્યું છે અને આ સમય દરમિયાન ઘણા લોકો ઉપવાસ કરતા હોય છે. ઉપવાસ હોય ત્યારે ઘરમાં ફરાળ માટે અલગ અલગ વસ્તુઓ બને છે. ફરાળી વસ્તુઓમાંથી એક વસ્તુ એવી છે જેને નાના મોટા દરેક લોકો પસંદ કરે છે. આ વાનગી છે સાબુદાણાની ખીચડી. સાબુદાણાની ખીચડી મોટાભાગના લોકોને ભાવે છે. પરંતુ ઘણી વખત સાબુદાણાની ખીચડી ચીકણી થઈ જાય છે. તો ચાલો તમને જણાવીએ સાબુદાણાની ખીચડી એકદમ છુટી કઈ રીતે બનાવવી.

છુટી ખીચડી બનાવવા માટે સૌથી મહત્વનું છે કે સાબુદાણાને યોગ્ય સમય સુધી પલાળવામાં આવે. સાબુદાણાને પલાળો ત્યારે પાણીથી તેને બરાબર રીતે ધોઈ નાખવા જેથી તેમાં રહેલો સ્ટાર્ચ નીકળી જાય. ઘણા લોકો સાબુદાણાને એક જ પાણીમાં પલાળી રાખે છે જેના કારણે તેનો સ્ટાર્ચ સાબુદાણાની ખીચડી ને ચીકણી બનાવે છે. તેથી જ્યારે પણ સાબુદાણાનો ઉપયોગ કરો ત્યારે તેને પાણીથી બરાબર સાફ કરી અને પલાળો. બીજી વસ્તુ છે કે સાબુદાણાને તમે કેટલા પાણીમાં પલાળો છો. એક કપ સાબુદાણા હોય તો ત્રણ ચતુર્થાંશ પાણીમાં તેને પલાળવા જોઈએ. આ ઉપરાંત સાબુદાણાને ઓછામાં ઓછા પાંચ કલાક પલાળવા જોઈએ. તેનાથી ખીચડી ખુબ જ સ્વાદિષ્ટ બને છે.

સાબુદાણાની ખીચડી બનાવવાની રીત

સૌથી પહેલા એક પેનમાં સીંગદાણાને શેકી લેવા. સીંગદાણા ઠંડા થાય એટલે તેના ફોતરા કાઢી તેને પીસી લેવા. ત્યાર પછી પલાળેલા સાબુદાણામાં સીંગદાણા નો પાવડર અને સિંધવ મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો. ત્યાર પછી અન્ય એક કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં જીરું, લીલા મરચાં અને મીઠો લીમડો ઉમેરી વઘાર કરો. ત્યાર પછી તેમાં બાફેલા બટેટાના ટુકડા ઉમેરો. બે મિનિટ પછી સાબુદાણા ઉમેરો અને ગેસ ધીમો કરી પેનને ઢાંકી દો. પાંચ મિનિટ સુધી સાબુદાણાને પકાવો અને પછી ગેસ બંધ કરી તેમાં ઝીણી સમારેલી કોથમીર લીંબુનો રસ ઉમેરીને ગરમાગરમ સર્વ કરો.

(6:16 pm IST)