Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

સોમવારથી ભાજપની પાર્લામેન્ટરીની બેઠક યોજાશે : ત્રણ દિવસ ઉમેદવારોની પેનલની પસંદગી થશે

સેન્સના આધારે નિરીક્ષકો દ્વારા પ્રદેશ નેતાગીરીને રિપોર્ટ સોંપવાનું શરૂ

અમદાવાદ : આગામી તા. 21મી ફ્રેબુઆરીના રોજ રાજયના છ મહાનગરપાલિકાઓ અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર અને જામનગરની ચૂંટણીનું મતદાન થશે. આ ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 6ઠ્ઠી ફ્રેબુઆરી છે. આ ચૂંટણીને લઇને ભાજપમાં ઉમેદવારોની પસંદગી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 24 અને 25મી જાન્યુઆરીના રોજ નિરીક્ષકો દ્વારા કાર્યકર્તાઓને સાંભળીને સેન્સ લેવામાં આવી હતી. આ સેન્સના આધારે નિરીક્ષકો દ્વારા પ્રદેશ નેતાગીરીને રિપોર્ટ સોંપવાનું શરૂ કરી દીધું છે. મહત્તમ તમામ મહાનગરપાલિકાઓના નિરીક્ષકો દ્વારા પોતાના રિપોર્ટ રજૂ કરી દેવામાં આવ્યો છે

  મહાનગરપાલિકાના કયા વોર્ડમાં કેટલાં ઉમેદવારોએ દાવેદારી કરી છે તેનો આંકડા ટૂંક સમયમાં સ્પષ્ટ થશે. આ રિપોર્ટના આધારે આગામી તા.1, 2 અને 3જી ફ્રેબુઆરીના રોજ ભાજપની પાર્લામેન્ટરીની બેઠક યોજાશે. આ બેઠકોમાં વોર્ડ દીઠ ઉમેદવારોની પેનલો તૈયાર કરવામાં આવશે. આ પ્રક્રિયાને લઇને ભાજપ પક્ષની ઓફીસમાં કાર્યકર્તાઓની અવરજવર વધી જતાં ધમધમાટ શરૂ થઇ ગયો છે

  પ્રદેશ મીડીઆ વિભાગ તરફથી જણાવ્યા મુજબ આગામી સ્થાનિક સ્વરાજયની સામાન્ય ચૂંટણી સંદર્ભે 6 મહાનગરપાલિકાના સંભંવિત ઉમેદવારોની પસંદગી માટે પ્રદેશ ચૂંટણી સમિતિ ( પાર્લામેન્ટરી બોર્ડ )ની બેઠકનું ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું છે

પ્રદેશ ચુંટણી સમિતિ ( પાર્લામેન્ટરી બોર્ડ )ની બેઠકમાં મહાનગરની સંકલન સમિતિ, સંસદસભ્યો, ધારાસભ્યો અને પ્રદેશ નિરીક્ષકો હાજર રહેશે. અને ઉમેદવારોની પસંદગી માટે ચર્ચા વિચારણાં થશે. ત્યારબાદ વોર્ડ દીઠ ઉમેદવારોની પેનલ નક્કી થશે

અમદાવાદ શહેરમાં સાતેક વિધાનસભાના પેજ પ્રમુખનું કાર્ડ વિતરણ કાર્ય પુર્ણ થઇ ગયું છે. બાકી રહેલાં વટવા તથા અમરાઇવાડી વિધાનસભા મતવિસ્તારના પેજપ્રમુખોને કાર્ડ વિતરણનો કાર્યક્રમ આજે 27મી જાન્યુઆરીના રોજ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો

(11:47 pm IST)