Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

કોંગ્રેસમાં પણ ટિકિટો માટે ઉમેદવારોનો રાફડો ફાટ્યો

સત્તા વિહોણા કોંગ્રેસમાં ટિકિટ માટે મારામારી : અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ૪૮ વોર્ડમાં ૧૨૨૭થી વધુ લોકોની ચૂંટણી લડવા માટે કોંગ્રેસ સમક્ષ દાવેદારી

અમદાવાદ, તા. ૨૭ : રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થતાં જ રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. અને ચૂંટણી લડવા માટે ઉમેદવારો દ્વારા પોતપોતાના પક્ષોમાં દાવેદારી કરવામાં આવી રહી છે. અને હવે નેતાઓની ઓફિસોમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે. તેવામાં અમદાવાદ કોંગ્રેસમાં કોર્પોરેશનની ચૂંટણી માટે ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ૪૮ વોર્ડમાં ૧૨૨૭થી વધુ લોકોએ ચૂંટણી લડવા માટે દાવેદારી કરી છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૧૫ વર્ષથી કોંગ્રેસ કોર્પોરેશનમાં સત્તાથી દૂર છે અને વિપક્ષમાં રહે છે. તેમ છતાં કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે દાવેદારોએ લાઈનો લગાવી દીધી છે. અને હાલત એ છે કે ૪૮ વોર્ડમાં અંદાજે ૧૨૦૦થી વધુ લોકોએ દાવેદારી નોંધાવી ચૂકી છે. સૌથી વધુ સરસપુર-રખિયાલ વોર્ડમાં ૫૬ દાવેદારો છે, જે બાદ અસારવામાં ૫૨, ભાઈપુરમાં ૫૦ અને સૈજપુરબોઘા વોર્ડમાં ૪૯ દાવેદારો છે. જ્યારે નારણપુરા માં ૯ અને નવરંગપુરા માં માત્ર ૮ જ દાવેદારો છે.

પૂર્વ વિસ્તારમાં કોંગ્રેસના ચિન્હ પર ચૂંટણી લડવા માટે દાવેદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો પશ્ચિમ વિસ્તારમાં કોંગ્રેસ પાસે ઓછા દાવેદારો છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ મનપા માં ભાજપના સૌથી વધુ ૨૦૩૭ દાવેદારોએ ચૂંટણી લડવા માટે દાવેદારી કરી છે.

અમદાવાદ કોંગ્રેસનાં દાવેદારોનું એરિયા પ્રમાણે જોવામાં આવે તો ગોતા ૧૦, ચંદલોડિયા ૧૨, ચાંદખેડા ૨૪, સાબરમતી ૨૮, રાણીપ ૧૩, નવા વાડજ ૧૯, ઘાટલોડિયા ૧૦, થલતેજ ૧૨, નારણપુરા ૯, સરદાર પટેલ સ્ટેડિયમ ૨૪, સરદારનગર ૧૭, નરોડા ૧૫, સૌજપુર બોઘા ૪૯, કુબેરનાગર ૧૮, અસારવા ૫૨, શાહીબાગ ૨૪, શાહપુર ૨૩, નવરંગપુરા ૮,  બોડકદેવ ૧૪, જોધપુર ૧૨, દરિયાપુર ૩૦, ઇન્ડિયા કોલોની ૨૮, ઠક્કરબાપા નગર ૧૯, નિકોલ ૧૫, વિરાટનગર ૧૨, બાપુનગર ૪૯, સરસપુર-રખિયાલ ૫૬, ખાડિયા ૩૬, જમાલપુર ૪૦, પાલડી ૧૪, વાસણા ૧૫, વેજલપુર ૨૦, સરખેજ ૩૪, મકતમપુરા ૨૫, બહેરામપુરા૩૮, દાણીલીમડા૨૯, મણિનગર ૨૦, ગોમતીપુર ૪૫, અમરાઈવાડી ૩૧, ઓઢવ ૪૪, વસ્ત્રાલ ૧૭, ઇન્દ્રપુરી ૧૭, ભાઈપુરા-હાટકેશ્વર ૫૦, ખોખરા ૩૦, ઇશનપુર ૧૫, લાંભા ૪૧, વટવા ૩૧, રામોલ-હાથીજણ ૨૧ દાવેદારોનો સમાવેશ થાય છે.

(7:51 pm IST)