Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

હવે અમારી પાસે મત લેવા કેવી રીતે આવો છો ? ઍ પણ અમે જાઇશુ : રાજપીપળામાં પાલિકા પ્રમુખ અને લતાવાસીઓ વચ્ચે અનિયમિત પાણી મુદ્દે ચકમક

રાજપીપળા: રાજપીપળા પાલિકાની ચૂંટણી આગામી 28/2/2020 ના રોજ યોજાવાની છે. ભાજપના પ્રદેશ નિરીક્ષકોએ રાજપીપળા નગરપાલિકા ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોને 27/01/2020 ના રોજ સાંભળ્યા હતા. હવે એના આગલે દિવસે 26/01/2020 ના રોજ રાજપીપળા નગરપાલિકા પ્રમુખ જીગીશાબેન ભટ્ટના ઘરે અનિયમિત પાણી આવતું હોવાની ફરિયાદ સાથે રહીશો પહોંચ્યા હતા. આ દરમિયાન બન્ને વચ્ચે ભારે ચકમક જરી હતી. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

રાજપીપળા પાલિકા વૉર્ડ નંબર 4ના રહીશો પાલિકા પ્રમુખ જીગીશાબેન ભટ્ટના ઘરે રજૂઆત કરી રહ્યા હતા. આ દરમિયાન રહીશો અને પાલિકા પ્રમુખ વચ્ચે ચકમક જરી હતી. બન્ને પક્ષ તરફથી ના બોલવાના શબ્દો પણ ઉચ્ચારાયા હતા.

પાલિકા વૉર્ડ નંબર 4ના રહીશોનું કહેવું છે કે, અમારા વિસ્તારમાં છેલ્લા 10-12 દિવસથી અનિયમિત પાણી આવે છે અને અમુક વાર પાણીનો ફોર્સ પણ ઓછો આવે છે. અમે આ બાબતે છેલ્લે કંટાળીને પાલિકા પ્રમુખના ઘરે રજૂઆત કરવા ગયા તો તેઓએ અમને ફાલતુ વ્યક્તિઓ તરીકેનું સંબોધન કર્યું હતું.

જીગીશાબેન ભટ્ટ અમારા જ વૉર્ડમાંથી ચૂંટાઈને પ્રમુખ બન્યા છે. એમની એટલી ફરજ તો બને કે સમસ્યાનું નિવારણ લાવે. અમે એમને મત આપ્યા અને અમારી સાથે જ ખરાબ વર્તન કરે એ ન ચાલે. તેઓ હવે અમારી પાસે વોટ લેવા કેવી રીતે આવે છે? એ પણ અમે જોઈશું.

જ્યારે રાજપીપળા પાલિકા પ્રમુખ જીગીશાબેન ભટ્ટે જણાવ્યું કે, અનિયમિત પાણી મુદ્દે મેં પોતે પાલિકા CO, નર્મદા કલેકટર, ભરૂચ સાંસદ મનસુખ વસાવાને રજૂઆત કરી જ છે. અમારા વિસ્તારના લોકોને આ ખબર જ છે અને એનું નિરાકરણ પણ આવી જશે.

રાજપીપળા પાલિકામાં વહિવટીદારનું શાસન છે, જો મારા વોર્ડના લોકોએ શાંતિથી રજૂઆત કરી હોત તો એમની સાથે રાજપીપળા પાલિકામાં જઈ રજૂઆત કરવામાં મને કોઈ જ વાંધો ન હતો, પરંતુ એમણે હલકી પ્રસિદ્ધિ મેળવવા અને મને બદનામ કરવા જ ગમે તેમ વર્તન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, રાજકારણમાં આવ્યા હોય તો ચૂંટાયેલા સભ્યોએ પ્રજાના વિરોધનો કડવો ઘૂંટ તો પીવો જ પડે કારણ કે બીજી વાર એજ પ્રજા એમનું ભવિષ્ય નક્કી કરતી હોય છે. એકવાર પ્રજા સાથે કોઈ પણ પક્ષનો ચૂંટાયેલો સભ્ય અણછાજતુ વર્તન કરે, તો એની મતદારોમાં ઘણી ખરાબ પડે છે, ત્યારે રાજપીપળા પાલિકા પ્રમુખ અને એમના જ વૉર્ડના રહીશો વચ્ચે બનેલી આ ઘટના આવનારી પાલિકા ચૂંટણીમાં કેવી અસર કરશે? તે તો આવનારો સમય જ બતાવશે.

(5:02 pm IST)