Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

અમદાવાદ મણિનગર રેલ્વે ફાટક ઓળંગતા બે વિદ્યાર્થીઓ પર ટ્રેનની અડફેટે : આનંદનિકેતન સ્કૂલના વિદ્યાર્થીનું મોત

ટ્રેનની ટક્કર લાગતા તનીશનું સ્થળ પર કરૂણ મોત :જ્યારે ઇજાગ્રસ્ત સૈયમને હોસ્પિટલ લઈ જવાયો

અમદાવાદ : મણિનગરની દક્ષિણી સોસાયટી પાસેના અંડરપાસ નજીક જબલપુર એકસપ્રેસ ટ્રેનની અડફેટે ફાટક ઓળંગતા બે વિદ્યાર્થીઓ આવ્યા હતા.એક વિદ્યાર્થીનું સ્થળ પર કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો

બનાવની વિગત મણિનગર ગોરધનવાડી વિસ્તારમાં રહેતા હાથીજણ આનંદનિકેતન સ્કૂલના ધો.10ના છ જેટલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ મણિનગર દક્ષિણી સોસાયટી રેલ્વે ક્રોસિંગ પાસે પિંકી એપાર્ટમેન્ટમાં ટ્યૂશન કલાસમાં રીક્ષામાં આવતા હતા.

સાંજે કલાસ પતાવી બાળકો ઘરે જવા નીકળ્યા હતા. રીક્ષા રેલ્વે ફાટકની સામે ઉભી રહેતી હતી. આથી 4 વિદ્યાર્થીઓ અંડર પાસમાંથી ચાલીને સામેની બાજુ જવા નીકળ્યા જ્યારે બે વિદ્યાર્થી ફાટક ઓળંગીને સામે પડેલી રીક્ષા તરફ જતા હતા

 

દરમિયાનમાં જબલપુર સોમનાથ એક્સપ્રેસ પસાર થતા ફાટક ઓળંગી રહેલા બન્ને વિધાર્થીઓ ટ્રેનની અડફેટે આવ્યા હતા. બુમાબુમ થતા સ્થાનિક રહીશો સ્થળ પર પહોંચ્યા હતા. એક વિદ્યાર્થીનું સ્થળ પર મોત નીપજ્યું હતું. જ્યારે બીજા વિદ્યાર્થીને ગંભીર ઈજાઓ થઈ હોવાથી સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. બનાવને પગલે પોલીસ સ્થળ પર પહોંચી હતી.

પોલીસ તપાસમાં મળતી વિગતો મુજબ ટ્રેનની અડફેટે આવેળા વિદ્યાર્થીઓમાં સૈયમ જૈન રહે, સરોવર હાઈટસ, ગોરધનવાડી ટેકરો, કાંકરિયા અને તનીશ સુરાણા રહે, સારવરમ ફ્લેટ, ગોરધનવાડી, કાંકરિયાનો સમાવેશ થાય છે. ટ્રેનની ટક્કરને કારણે તનીશનું સ્થળ પર કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે ઇજાગ્રસ્ત સૈયમને એલજી હોસ્પિટલ લઈ જતા ડૉક્ટરોએ સિવિલ હોસ્પિટલ લઈ જવા જણાવ્યું હતું

મણિનગર વિસ્તારમાં રહેતા સ્થાનિકોએ અમુક અંતર સુધી ફાટકની બન્ને બાજુ સિમેન્ટની ઊંચી દિવાલ બનાવવા માંગ કરી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ છાશવારે ટ્રેનની અડફેટે આવતા લોકોના મોતની ઘટનાઓ સતત વધી રહી છે. જો ફાટકની આસપાસ ઊંચી દિવાલ હોય તો કોઈ ફાટક ઓળંગે નહીં અને આવી ઘટનાઓ રોકી શકાય છે

(11:44 pm IST)