Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

આણંદ જિલ્લાના તારાપુરની કાનાવાડા ચોકડી નજીક રાત્રીના સુમારે બોલેરો કારમાં આગ ભભુકતા ચાલક બળીને ખાખ

આણંદ:જિલ્લાના તારાપુરની કાનાવાડા ચોકડી નજીક એક ઓઈલ પ્લાન્ટના ખુલ્લા મેદાનમાં ગઈકાલ રાત્રિના સુમારે એક બોલેરો કારમાં આગ ફાટી નીકળતા કારનો ચાલક આગમાં બળીને ભડથુ થઈ જતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. બનાવ અંગે તારાપુર પોલીસે અપમૃત્યુની નોંધ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

  બનાવ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૂળ યુપીના અને હાલ તારાપુર ખાતે રહેતા અવધેશકુમાર સુધારામ દુબે જીએનઆરએલ ઓઈલ એન્ડ ગેસ કંપનીમાં તારાપુરના કાનાવાડા પાસે ચાલતા પ્રોજેક્ટમાં માઈન્સ મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. ગઈકાલ રાત્રિના સુમારે તેઓ પોતાના ઘરેથી કાનાવાડા ચોકડી નજીક આવેલ જીએનઆરએલ ઓઈલ પ્લાન્ટ ખાતે ચેકીંગ માટે નીકળ્યા હતા. દરમ્યાન રાત્રિના સુમારે ઓઈલ પ્લાન્ટના મેદાનમાં તેઓની કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ  લાગવાના કારણે કાર લોક થઈ ગઈ હતી અને અવધેશકુમાર કારમાં ફસાઈ ગયા હતા. કારમાંથી બહાર નહી નીકળી શકતા તેઓ કારમાં લાગેલી આગમાં બળીને ભડથુ થઈ ગયા હતા. આગ લાગવાના કારણે કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. જો કે માઈન્સ મેનેજરનું કારમાં બળી જવાના કારણે થયેલ મૃત્યુ અંગે સ્થાનિકોમાં અનેક પ્રકારની શંકા-કુશંકાઓ ઉઠવા પામી છે

(4:57 pm IST)