Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

અમદાવાદના અમરાઈવાડીમાં ભાજપ ઉમેદવારનો ભારે વિરોધ : આગેવાનોનો બહિષ્કાર કરી પાછા તગેડી મૂક્યા

પાંચ વર્ષમાં પૂર્વ ધારાસભ્ય કેમ દેખાયા નથી ? અમે થાકી ગયા તમારાથી : સ્થાનિક મુદ્દાઓના નિરાકરણ ન આવતા હોવાથી જનતાએ આક્રોશ વ્યક્ત કર્યો

અમદાવાદના અમરાઈવાડી વિધાનસભા મત વિસ્તારમાં ભાજપ ઉમેદવાર હસમુખ પટેલનો પ્રચાર કરવા નીકળ્યા હતા. ત્યારે સ્થાનિક લોકો સાથે બોલાચાલી થઈ હતી. પાંચ વર્ષમાં પૂર્વ ધારાસભ્ય દેખાયા ન હોવાના આક્ષેપ સાથે બોલાચાલી થઈ હતી. સ્થાનિક મુદ્દાઓના નિરાકરણ ન આવતા હોવાથી જનતાએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.

સ્થાનિક લોકોએ હસમુખ પટેલને તેમના મોઢા ચઢીને કહ્યું હતું કે, 5 વર્ષે દેખાયા છો, અમે થાકી ગયા તમારાથી. જેથી પ્રચાર પડતો મૂકીને કાર્યકર્તાઓ સાથે તેઓ રવાના થઇ ગયા હતાં. ભાજપના વિરોધનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

ભાજપના ઉમેદવાર કે કાર્યકર્તાઓને પ્રચાર કરવો મુશ્કેલ બની ગયો છે. કેમ કે, તેઓ પોતાના મત વિસ્તારમાં જાય છે તો ત્યાં સ્થાનિક લોકો દ્વારા પોતાના પ્રશ્નો મૂકીને તેમનો વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં ભાજપના આગેવાનો પ્રચાર કરવા પહોંચ્યા હતા પરંતુ સ્થાનિકોએ વિસ્તારના પડતર પ્રશ્નોના નિરાકરણ ન આવતા ભાજપના આગેવાનોનો બહિષ્કાર કરીને પાછા તગેડી મૂક્યા હતા.

અમરાઈવાડી વિધાનસભાના બળિયાનગર અને શીતલનગરમાં ભાજપના કાર્યકરો આજે સવારે પ્રચાર કરવા ગયા હતા.પ્રચાર કરવા ગયેલા કાર્યકરોને સ્થાનિકોએ પડતર પ્રશ્નો અંગે પૂછ્યું હતું. જોકે કાર્યકરો કોઈ જવાબ ન આપી શક્યા. સ્થાનિકોનો આક્ષેપ હતો કે અમે જ્યારે સમસ્યા લઈને જઈએ છીએ ત્યારે અમને સમજાવીને પાછા મોકલવામાં આવે છે તેજ રીતે અમે આજે ભાજપના પ્રચાર કરવા આવેલા કાર્યકરોને સમાજવીને પરત મોકલ્યા હતા
અમરાઈવાડી વિધાનસભામાં 2017ની ચૂંટણી બાદ 2019માં પેટાચૂંટણી થઈ હતી જેમાં બહારના ઉમેદવારને ટિકિટ આપવામાં આવી આવી હતી. જેથી સ્થાનિકોને પ્રશ્નનો નિકાલ કરવામાં આવ્યો નહતો. સ્થાનિક ઉમેદવારના હોવાથી લોકો ઉમેદવાર વિધાનસભા વિસ્તારમાં ફરકતા નથી. જેથી આજે સ્થાનિકોએ ભાજપના કાર્યકરોને પરત મોકલ્યા હતા.

અમરાઈવાડી બેઠકમાં અમદાવાદ મહાનગરપાલિકાના 3 વોર્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે. 2010માં આ બેઠકની રચના કરવામાં આવી છે. આ પહેલા અમરાઈવાડી 1975થી મણિનગર બેઠકનો ભાગ હતો. એ પહેલા કાંકરિયા બેઠકમાં આ વિસ્તાર આવતો હતો. આ બેઠકને પણ ભાજપનો ગઢ માનવામાં આવે છે. 2012થી આ બેઠક પર ભાજપ જીતતું આવ્યું છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં અમરાઈવાડી વિધાનસભા ક્ષેત્રથી હસમુખ પટેલની જીત થઇ હતી. આજે અમરાઈવાડી વિસ્તારમાં ભાજપના વિરોધનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે. આમ ભાજપના ઉમેદવારોની ખરાબ કામગીરીના કારણે હવે ભાજપના ગઢમાં જ તેમનો વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે.

(11:17 pm IST)