Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

ખાનગીમાં રિપોર્ટ કરતા દર્દીઓ મુદ્દે તંત્રનો ઊધડો લેતા નાયબ મુખ્યમંત્રી નીતિનપટેલ

૧૦૮ સેવાની કામગીરીનો નીતિન પટેલે રિવ્યુ કર્યો : ખાનગી લેબોરેટરીમાં રિપોર્ટ કરાવનારાને પણ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવા સુચન કરતા નાયબ મુખ્યમંત્રી નીતિનપટેલ

ગાંધીનગર, તા. ૨૧ : રાજ્યમાં દીવાળી બાદ કોરોનાએ ઉથલો માર્યો છે. જેને લઇને તંત્ર સજાગ થઇ ગયું છે આ વચ્ચે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ૧૦૮ની સેવાની કામગીરીનો રિવ્યુ કર્યો હતો. જે બાદ નીતિન પટેલે ૧૦૮ના અધિકારીઓની ઝાટકણી કાઢી છે. તે સિવાય ખાનગીમાં રિપોર્ટ કરાવતા દર્દીઓ મુદ્દે ઉધડો લીધો છે અને કહ્યું છે કે કેમ દર્દીઓને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા નથી એવા સવાલો પણ કર્યા હતા.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, કોરોનાના દર્દીઓને ૧૦૮ની સેવા મળે છે. આ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે કંટ્રોલરૂમની મુલાકાત લીધી હતી. દર્દીઓને ઝડપથી હોસ્પિટલમાં ખસેડી શકાય તે માટે અહીં કંટ્રોલરૂમ બનાવવામાં આવ્યો છે.

અહીં ૨૪ કલાક દેખરેખ રાખવામાં આવી રહી છે. કોરોના પોઝિટિવ આવ્યા બાદ દર્દીને કઈ હોસ્પિટલમાં મોકલવો તેના અંગે મૂંઝવણ થતી હતી. આ અંગે અહીંથી તમામ આયોજન થઈ રહ્યું છે. આ ઉપરાંત જે દર્દીને દાખલ કરવાની જરૂર ન હોય તેમને અહીંથી દવા અંગે માહિતી આપામાં આવે છે.

નીતિન પટેલ વધુમાં જણાવ્યું હતું કે, અહીં તમામ વ્યવસ્થા સુચારુ રીતે ચાલે તે માટે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રાણાને તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કોઈ પણ દર્દીએ ખાનગી લેબમાં પોતાના રિપોર્ટ કરાવ્યો હોય તેમને પણ સરકારની ૧૨૦૦ બેડની હોસ્પિટલ તેમજ સરકારે જે હોસ્પિટલો કોરોના માટે રોકી છે તેમાં દાખલ કરવામાં આવશે. જો કોઈ દર્દી ખાનગી હોસ્પિટલમાં દાખલ હોય અને બિલ વધારે આવી રહ્યું હોય તે તેવા દર્દીઓને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવા માટે શું કરવું તેનો નિર્ણય મુખ્યમંત્રી સાથે ચર્ચા કરીને વિચારણા કરવામાં આવશે.

(9:14 pm IST)