Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

અમદાવાદની સોલા સિવીલ હોસ્પિટલમાં કોરોના વેકસીનના ટ્રાયલનો પ્રારંભઃ ૧૬ થી ૬૦ વર્ષના કોઇપણ વ્યકિત નામ નોધણી કરાવી શકશે

અમદાવાદ : ગુજરાતમાં કોરોનાની વેક્સીન કોવેક્સીન આવી ગઈ છે અને ખુશખબર છે કે, ભારત બાયોટેક કંપની દ્વારા બનાવાયેલી કોવેક્સીનની ટ્રાયલ આજથી શરૂ કરાશે. આજે સવારે 9.30 વાગ્યાથી અમદાવાદ સોલાની સિવિલ હોસ્પિટલમાં વેક્સીન આપવાનું કામ શરૂ કરાયું છે. ટ્રાયલ માટે 25 લોકોએ સોલા સિવિલ ખાતે નામ નોંધાવ્યા છે. જેઓને આજથી રસી આપવાનું શરૂ કરાશે. સિવિલમાં રસીના કુલ 500 ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી રોજ 20 તંદુરસ્ત લોકોને રસી અપાશે.

  • વિવિધ રોગના 25 ટકા દર્દી અને અન્ય વોલન્ટિયર્સ 75 ટકા હશે.
  • વોલન્ટિયર્સ પહેલીવાર આવે ત્યારે જરૂરી ટેસ્ટ પછી રસીનો પહેલો ડોઝ અપાશે. ત્યારબાદ મહિના પછી બીજો ડોઝ અપાશે
  • રસી લેનારાઓનું એક વર્ષ સુધી ફોલોઅપ લેવાશે
  • રસી મૂકાવનારાઓના નામ ગુપ્ત રાખવામાં આવશે
  • રસીને ડીપફ્રીઝમાં માઈનસ 2થી8 ડિગ્રી ટેમ્પરેચરમાં રાખવામાં આવી છે.
  • તાલીમ મેળવેલ તબીબો રસીને આપી શકશે
  • રસી આપવા માટે ખાસ ક્લિનિકલ ટ્રાયલ રૂમ બનાવાયો છે

માત્ર રસીનું ટ્રાયલ છે. ફાઈનલ એપ્રુવલ બાદ ગુજરાતમાં લોકોને વેક્સીન આપવાનું શરૂ કરાશે. હોસ્પિટલમાં 1 વર્ષ સુધી રસીનું ટ્રાયલ ચાલશે. જેમાં ગુજરાતભરમાંથી 1 હજાર લોકો પર રસીનું ટ્રાયલ કરાશે. વોલન્ટિયર્સ તરીકે 16 થી 60 વર્ષની વચ્ચેના કોઈપણ પુરુષ કે મહિલા નામ નોંધાવી શકે છે. ક્લિનિકલ ટ્રાયલમાં વોલન્ટિયર્સની જરૂરી તમામ તપાસ અને તેમની લેખિત મંજૂરી પછી રસીનો પહેલો ડોઝ અપાશે. જેના એક મહિના બાદ બીજો ડોઝ આપવામાં આવશે. એક વર્ષ સુધી રસી લેનાર દર્દીનું પરીક્ષણ કરાશે. પ્રથમ તબક્કામાં 21 સેન્ટરમાંથી 130 હેલ્ધી વોલન્ટિયર્સનું ક્લિનિકલ ટ્રાયલ પૂરું કરાશે. દરમિયાન અન્ય વોલન્ટિયર્સ પર પણ ક્લિનિકલ ટ્રાયલ ચાલુ રહેશે.

અમદાવાદમાં ગઈકાલે આવેલી કોરોના વેક્સીન વિશે નીતિન પટેલે કહ્યું કે, ભારત સરકારના આરોગ્ય વિભાગના સહયોગથી સ્વદેશી વેક્સીન માટેની કાર્યવાહી ચાલી રહી છે. જુદા જુદા રાજ્યોની મોટી હોસ્પિટલમાં ટ્રાયલ માટે વેક્સીન મોકલાવામાં આવી છે. ગુજરાતમાં પણ સ્વસ્થ અને યુવા નાગરિકો પસંદ કરી તેમના પર ટ્રાયલ કરાશે. મહિનામાં બે ડોઝ આપી તેમને નિરીક્ષણ હેઠળ રખાશે. હાલ ગુજરાત પાસે 500 વેક્સીનના ડોઝ પાસે છે. સાથે ડોક્ટરની ટીમ પણ આવી છે. જે ગુજરાતના તબીબોને વેક્સીન આપવાની ટ્રેનિંગ આપશે. સ્વંયસેવકોનું લિસ્ટ પણ તૈયાર થયું છે. વેક્સીન લેનારાઓના ઘરે તેમની તબિયત અંગે કાળજી લેવામાં આવશે. એક વર્ષ સુધી વેક્સીનની ટ્રાયલ ચાલશે. અમદાવાદની સોલા સિવિલ ખાતે હાલ ટ્રેનીંગ ચાલી રહી છે. ટ્રાયલ માટે હેલ્થ વર્કરોને પણ જરૂર પડે તો સાંકળવામાં આવશે. વેક્સીનની ટ્રાયલ માટે સોલા સિવિલની પસંદગી થઇ આપણા માટે ગૌરવની વાત છે

(5:30 pm IST)