Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

પોલીસકર્મીઓનું ગ્રેડ પે આંદોલન :નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં નીલમબેને ચાલુ નોકરીએ અન્ન-જળનો ત્યાગ કર્યો

અમદાવાદ :ગુજરાત પોલીસકર્મીઓનું ગ્રેડ પે આંદોલન ઉગ્ર બનતું જાય છે ત્યારે અમદાવાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહેલ મહિલા પોલીસકર્મી નીલમબેન અન્નજળનો ત્યાગ કરી આંદોલન પર બેસવાની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયાની મદદથી પણ કેટલાક પોલીસ કર્મચારીઓ જાહેરમાં આવીને ગ્રેડ પે વધારવા માંગણી કરી રહ્યા છે.

સોમવારે બપોરે અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી હાર્દિક પંડ્યા વિધાનસભા સામે ધરણા પર બેઠા હતા. આજે અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસકર્મી નીલમબેન પણ ધરણા પર બેઠા છે.

 

મહિલા પોલીસકર્મી નીલમબેન “જ્યાં સુધી ગ્રેડ પેનો ચુકાદો નહીં આવે ત્યાં સુધી અન્ન-જળનો ત્યાગ કરીશ” એવું વોટ્સએપ સ્ટેટ્સ મૂકી અને ગ્રેડ પેની માંગણી કરી રહ્યા છે. નીલમબેને અન્ન-જળનો ત્યાગ કરવાની સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે જેને અન્ય પોલીસકર્મીઓ પણ સપોર્ટ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયામાં આ મેસેજ વાઇરલ થઈ જતા ઝોન 1 ડીસીપી ડો. રવિન્દ્ર પટેલે નવરંગપુરા પીઆઇ અને મહિલા પોલીસકર્મીને બોલાવી આ મામલે ખુલાસો પૂછ્યો છે. નીલમબેનનો મોબાઈલ ફોન લઈ અને વોટ્સએપ સ્ટેટ્સમાંથી ફોટો પણ ડિલિટ કરાવી દીધો છે.

 

ગુજરાત રાજ્યના ASI, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલના ગ્રેડ પે ખૂબ જ ઓછા છે, જેના બદલે 4200, 3600, 2800 ગ્રેડ પે કરવામાં આવે. ગુજરાતના તમામ પોલીસ કર્મચારીઓનો ફરજનો સમય નક્કી કરવામાં આવે અને 8 કલાકથી વધારે નોકરીમાં માનવ અધિકાર મુજબ યોગ્ય વળતર આપવામાં આવે. હાલ ગુજરાતના તમામ વિભાગોમાં યુનિયન છે તે રીતે પોલીસનું પણ યુનિયન બનાવવા દેવામાં આવે.

 

ગુજરાતના વિવિધ કર્મચારી યુનિયનના દબાણથી કર્મચારીઓનો ગ્રેડ પે અને ભથ્થામાં સુધારા થઈ રહ્યા છે. રાજ્યના તમામ કર્મચારીઓના મળવા પાત્ર લાભ અંગે બંધારણીય સમાનતા જળવાઈ રહે તે માટે પોલીસ કર્મચારીઓના જાહેર હિતમાં રજૂઆત કરી કર્મચારીઓને વિવિધ સેવાઓ આપવામાં માંગણી કરવામાં આવી છે.

રાજ્યના ASI(આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર), હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલના ગ્રેડ પે ખૂબ ઓછા છે. જેના બદલે 4200, 3600, 2800 ગ્રેડ પે કરવા તેમજ ગુજરાત પોલીસના તમામ કર્મચારીઓને મળતા વર્ષો જુના ભથ્થામાં તાત્કાલિક વધારો કરવા માગણી કરવામાં આવી છે. આ પોલીસ કર્મીઓ દ્વારા ગ્રેડ પે વધારોની માંગણીની સાથે સાથે યુનિયન બનાવવાની પણ માંગણી કરી રહ્યા છે.

(8:33 pm IST)