Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

અમદાવાદ : 11 વર્ષની પુત્રી સાથે વર્ષ સુધી દુષ્કર્મ આચરવાના કેસમાં પિતાના જામીન નામંજૂર કરાયા

આરોપી પિતાને જામીન આપવામાં આવે તો પુત્રી અને તેના પરિવારજનો પર વિપરીત અસર પડી શકે

અમદાવાદ: 11 વર્ષની સગીર પુત્રી સાથે ત્રણ વર્ષ સુધી દુષ્કર્મ આચરવાના કેસમાં આરોપી પિતાના અમદાવાદ સ્પેશ્યલ કોર્ટે જામીન ફગાવી દીધા છે. અમદાવાદ સ્પેશ્યલ કોર્ટે આરોપી પિતાની જામીન અરજી ફગાવતા નોંધ્યું હતું કે દીકરીનું રક્ષણ કરવું પિતાની ફરજ છે પરંતુ કેસમાં પિતા પર ગંભીર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જો આરોપી પિતાને જામીન આપવામાં આવે તો પુત્રી અને તેના પરિવારજનો પર વિપરીત અસર પડી શકે છે, જેથી આરોપી પિતાને હાલ જામીન આપી શકાય નહિ. કોર્ટે અવલોકન કરતા કહ્યું કે હાલના સમયમાં પ્રકારના કેસોમાં વધારો જોવા મળ્યો છે.

મુદ્દે સરકારી વકીલે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે આરોપી પિતા જ્યારે તેની પત્ની નોકરી માટે બહાર જતી ત્યારે ઘરમાં એકલતાનો લાભ લઇ સગીર વયની તેની પુત્રી સાથે ગુનો આચરતો હતો. આરોપી પિતાએ તેની સગીર પુત્રીને જો આવા કૃત્ય બાબતની જાણ કોઈને કરશે તો તેને ફાંસી પર લટકાવી દેવાની ધમકી આપી હતી. એટલું નહિ તેની માતા અને ભાઈને પણ જાનથી મારી નાખવાનું બાળકીને જણાવ્યું હતું.

અરજદારના વકીલ તરફે રજુઆત કરવામાં આવી હતી કે આરોપી તદ્દન નિર્દોષ છે. ફરિયાદી (પુત્રીની માતા) અને આરોપી લાંબા સમયથી સાથે રહેતા નથી, વળી ફરિયાદી નોકરી માટે ગોવા, બેંગ્લોર જતી હોવાથી માત્ર વહેમના આધારે અરજદાર પર આવા આક્ષેપ કરવામાં આવ્યા છે. જો આરોપીને જામીન આપવામાં આવે તો ભાગી છૂટશે નહિ.

સમગ્ર કેસની વિગત એવી છે કે ફરિયાદી સગીર પુત્રીની માતા દ્વારા મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં તેના પતિ (આરોપી) વિરુદ્ધ તેમની સગીર બાળકી પર દુષ્કર્મ આચરવાની IPCની કલમ 376 (2) સાહિત પોકસોની વિવિધ કલમ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

(11:50 pm IST)