Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

રાજ્‍યની સરકારી કચેરીઓના ડુપ્‍લીકેટ સિક્કાઓ-લેટરપેડ બનાવીને સરકારી તિજોરીને લાખોનો ચુનો ચોપડનાર અકિલ આડાદરાવાલાની ધરપકડ

પંચમહાલ એલસીબી ટીમે ગોધરામાંથી ‘ગેરી'ના ડુપ્‍લીકેટ ક્‍વોલિટી ટેસ્‍ટીંગ રિપોર્ટ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો

પંચમહાલઃ ગોધરામાં રાજ્‍યની બાંધકામ વિભાગની એજન્‍સીઓ અને મળતીયાઓના ડુપ્‍લીકેટ સર્ટીફીકેટ બનાવી લાખોની ઠગાઇ કરનાર ભેજાબાજ અકીલ અને તેની ટુકડીને પોલીસે ઝડપી લીધી છે. તમામ જિલ્લાના ‘ગેરી'ના ડુપ્‍લીકેટ ક્‍વોલીટી ટેસ્‍ટીંગ રિપોર્ટ, અધિકારીઓના સિક્કાઓ, લેટરપેડ અને અનેક ડુપ્‍લીકેટ દસ્‍તાવેજો બનાવ્‍યા હતા. રાજ્‍યવ્‍યાપી કૌભાંડની પોલીસે ઝીણવટભરી તપાસ આદરી છે.

પંચમહાલની એલસીબી પોલીસે એવા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે જે જાણી તમારા પગ નીચેથી જમીન સરકી જશે. સરકારી વિભાગની આખા રાજ્યની કચેરીઓના ડુપ્લીકેટ સિક્કાઓ અને લેટરપેડ બનાવી જાણે ઘરેથી જ સરકાર ચલાવતા હોય તેમ ભેજાબાજોએ આજ ડુપ્લીકેટ સર્ટીફિકેટથી સરકારી તિજોરીને લાખોનો ચુનો ચોપડ્યો છે.

ગોધરા એલસીબી પોલીસને બાતમી મળી હતી કે, ગુજરાતભરમાં બાંધકામ વિભાગના તાબા હેઠળના રસ્તાઓના ક્વોલિટી એસ્યોરેન્સ માટે જે સર્ટીફિકેટની જરૂર પડે છે તે ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે "ગેરી"ના ડુપ્લીકેટ ક્વોલિટી ટેસ્ટીંગ રીપોર્ટ બનાવવાનું ખૂબ જ મોટું અને રાજ્યવ્યાપી કૌભાંડ ગોધરાથી છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું હતું. બાતમી મુજબ એલસીબી પોલીસે છાપો મારી સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. જેથી ગોધરાના સાથરીયા બજારની ગલીમાં આવેલ અકિલ ઓનભાઈ અડાદરાવાલાની દુકાનમાં રેડ પાડવામા આવી હતી. ગુજરાતમાં કાર્યરત રિસર્ચ ઓફિસર મટેરીયલ ટેસ્ટીંગ ડીવીઝન (ગેરી) ની વડોદરા, ગોધરા, ગાંધીનગર, ભરૂચ, સુરત, પાલનપુર, બોટાદ, કચ્છ અને ભચાઉ સહિત રાજ્યની 31 સરકારી કચેરીઓના અધિકારીઓના તૈયાર કરાયેલા સિક્કાઓ, લેટર પેડ, દસ્તાવેજી કાગળો તેમજ ગુજરાત એન્જીનીયરીંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હેડિંગ સાથેના લખાણોના કાગળો અહીંથી મળી આવ્યા હતા. આ ઉરાંત બે લેપટોપ અને પ્રિન્ટર પણ પોલીસે જપ્ત કર્યાં.

પોલિસે મેળવેલા દસ્તાવેજો અંગે ખરાઈ કરતા જે હકીકત સામે આવી તે જોઈ પોલીસ પણ એક તબક્કે ચોંકી ઉઠી હતી. પોલીસે ગોધરામાંથી અકિલની ઓફિસમાંથી જપ્ત કરેલ તમામ દસ્તાવેજો ડુપ્લીકેટ હતા. તપાસમાં એ પણ સામે આવ્યું કે, ભેજાબાજ કોન્ટ્રાક્ટર અકિલ અને તેની ટુકડીએ રાજ્યના લગભગ તમામ જિલ્લાઓના ગેરીના અધિકારીઓના સિક્કાઓ સહિત અનેક દસ્તાવેજો ડુપ્લીકેટ બનાવ્યા હતા.

રાજ્યની બાંધકામ વિભાગની ઈજારદાર એજન્સીઓ અને મળતીયા ચહેરાઓને ડુપ્લીકેટ સર્ટીફિકેટની લ્હાણી કરવાના લાખો રૂપિયાના કાંડમાં ભેજાબાજ માસ્ટર માઈન્ડ ગોધરાના અકિલ અડાદરાવાલા સામે આખરે પકડમા આવ્યો છે. ગોધરા સ્થિત ગેરી કચેરીના મદદનીશ સંશોધન અધિકારી દિનેશકુમાર અગ્રવાલની ફરીયાદના આધારે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. અકિલ અડાદરાવાલા સામે ઈ.પી.કો. 406, 420, 465, 467, 468, 471,472, 473 474 મુજબનો ગુનો નોંધી રાજ્યવ્યાપી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે તેવું ડીવાયએસપી પીઆર રાઠોડે જણાવ્યું.

આ રાજ્ય વ્યાપી ચોંકાવનારા કાંડ સામે તપાસો હાથ ધરાતા જ અકિલ એન્ડ કંપની સાથે સંકળાયેલા ભલભલા સિન્ડિકેટ ચહેરાઓ પોતાના મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરીને અંડર ગ્રાઉન્ડ થઈ ગયા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે બીજી તરફ સવાલ એ પણ થાય કે, અકિલના ડુપ્લીકેટ ટેસ્ટીંગ રિપોર્ટ બાંધકામ કચેરીઓમાં ચૂપચાપ આપીને બિલના નાણાં ફટાફટ આપી દેવાના આ ચોંકાવનારા પ્રકરણો સામેની પોલીસ તપાસ શરૂ થઈ છે. આ સાથે સરકારી કચેરીઓમાં પણ અકિલના કરતૂતોથી કાનાફૂસી શરૂ થઈ ગઈ છે.

(6:04 pm IST)