Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

અંબાજી માતાજીના મંદિરે માઇ ભક્‍તો માટે બનાવવામાં આવતો મોહનથાળનો પ્રસાદઃ દરરોજ 3 હજાર કિલો મોહનથાળનો પ્રસાદ બનાવવાની અનોખી પ્રોસેસ

પુનમ અને રવિવારના દિવસે મંદિર દ્વારા 10 હજાર કિલોથી વધુ પ્રસાદનું વિતરણ

અમદાવાદઃ નવરાત્રીના પ્રારંભે અંબાજી યાત્રાધામમાં વર્ષોથી મોહનથાળની પ્રસાદી મોટા પ્રમાણમાં બનાવવામાં આવે છે. મંદિર પરિસરમાં વિશાળ રસોડામાં ચણાના લોટને ચારણીથી ચાળવામાં આવે છે. ત્‍યારબાદ ઘી, દુધ અને ચાસણી દ્વારા મોહનથાળનો પ્રસાદ તૈયાર થાય છે. પ્રસાદને અલગ-અલગ સાઇઝના બોક્‍સમાં પેક કરવામાં આવે છે અને ભક્‍તોને વિતરણ કરવામાં આવે છે.

આજથી આદ્યશક્તિની આરધનાના પર્વ નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે. નવરાત્રિ એટલેકે, નવ દિવસ માતાજીની પૂજા-અર્ચના અને ગરબે ઘૂમીને આરાધના કરવાનો અવસર. માઇ ભક્તો ગરબે ઘૂમી મા અંબાની ભક્તિ કરશે. એમાંય માતાના શક્તિપીઠ પૈકી સૌથી વિશેષ મહત્ત્વ ધરાવતા આપણાં અંબાજી યાત્રાધામનું પણ આગવું મહત્ત્વ છે. એટલું જ નહીં અંબાજીમાં વર્ષોથી મોહનથાળની પ્રસાદી આપવામાં આવે છે. શું તમે જાણો છો કે આ મોહનથાળની પ્રસાદી કેવી રીતે બનાવવામાં આવે છે? જાણો અંબાજી યાત્રાધામમાં તૈયાર કરવામાં આવતા મોહનથાળના પ્રસાદની આખી પ્રોસેસ.

મળતી માહિતી મુજબ અંબાજી મંદિરમાં દર્શનાર્થીઓ માટે દરરોજ 3 હજાર કિલો મોહનથાળની પ્રસાદી બનાવવામાં આવે છે. જ્યારે પૂનમ અને રવિવારના દિવસે 10 હજારથી વધુ કિલોનો પ્રસાદ બનાવવામાં આવે છે એટલું જ નહીં ભાદરવી પૂનમ જેવા અવસરે તો 4 લાખ કિલો મોહનથાળનો પ્રસાદ બનાવવામાં આવે છે. મોહનથાળનો પ્રસાદ મંદિર પરિસરની બાજુમાં જ બનાવવામાં આવે છે. જોકે, આટલો બધો મોહનથાળ ભાગ્યે જ એક સાથે કોઈ જગ્યાએ બનતો હશે. તેથી તેની મેકિંગ પ્રોસેસ એટલેકે બનાવવાની પ્રક્રિયા પણ એટલી જ રસપ્રદ છે.

મોહનથાળની પ્રસાદી બનાવવાની પ્રક્રિયાઃ

મંદિર પરિસરની બાજુમાં આવેલાં વિશાળ રસોડામાં સૌ પહેલાં ચણાના લોટને ચારણીથી ચાળવામાં આવે છે. ચણાના લોટમાં ઘી અને દૂધનું મૌણ આપવામાં આવે છે. ત્યારબાદ મોટી કઢાઈમાં ચોખ્ખું ઘી ગરમ કરી તેમાં મૌણવાળા ચણાના લોટને એકસરખા તાપમાને શેકવામાં આવે છે. ઘી અને મૌણવાળા ચણાના લોટનું તૈયાર થયેલું દાણાદાર મિશ્રણને ઠારવામાં આવે છે. ત્યાં સુધી બીજી તરફ ખાંડની ચાસણી તૈયાર કરવામાં આવે છે. આ ગરમ ચાસણીને ઠારેલા દાણાદાર મિશ્રણમાં ઉમેરવામાં આવે છે. બરાબર મિક્ષ અને ઘાટું થયા બાદ આ દાણાદાર મિશ્રણને ચોકીઓમાં ઠારવામાં આવે છે.આમ હવે માતાજીને પ્રિય મોહનથાળનો પ્રસાદ તૈયાર થાય છે. તૈયાર થયેલો મોહનથાળ અલગ-અલગ સાઇઝના બોક્સમાં પેક કરવામાં આવે છે. મંદિરની અંદરના કાઉન્ટરમાંથી માઇ ભક્તો આ પ્રસાદ ખરીદીને મા અંબાને અર્પણ કરે છે.

(6:03 pm IST)