Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

નવરાત્રીમાં 28મીથી 2 ઓક્‍ટોબર વચ્‍ચે ગુજરાતના વિવિધ વિસ્‍તારોમાં વરસાદ પડવાની અંબાલાલ પટેલની આગાહી

ઉપસાગરમાં ચક્રવાતના લીધે ગુજરાતનું હવામાન પલટાતા વરસાદ પડવાની શક્‍યતા

અમદાવાદઃ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા નવરાત્રી પર 28 સપ્‍ટેમ્‍બરથી 2 ઓક્‍ટોબર વચ્‍ચે વરસાદ વરસી શકે છે અને 8 ઓક્‍ટોબરથી 13 ઓક્‍ટોબર વચ્‍ચે બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની શક્‍યતાના કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. આ દિવસોમાં દરિયા કિનારાના વિસ્‍તારોમાં વરસાદનું પ્રમાણ વધુ હશે.

હાલ ખેલૈયાઓને એક જ પ્રશ્ન છે, નવરાત્રિ દરમિયાન વરસાદ પડશે કે નહિ. કોરોનાના બે વર્ષ બાદ માંડ ગરબા રમવાની તક મળી છે ત્યાં એકમાત્ર વરસાદનું વિધ્ન આડે આવી શકે છે. ગુજરાતના દરેક શહેરો-ગામડામાં આ વર્ષે ગરબા રમવા માટે અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ત્યારે આ લાખો ખેલૈયાઓ નિરાશ થાય તેવી આગાહી થઈ છે. આજે 26 સપ્ટેમ્બરે પહેલુ નોરતું છે. ત્યારે 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. આ આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.

અંબાલાલ પટેલે નવરાત્રિ દરમિયાન વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે ઝી 24 કલાકને જણાવ્યું કે, તારીખ 8 ઓક્ટોબરથી 13 ઓક્ટોમ્બર વચ્ચે બંગાળના ઉપસાગરમાં ચક્રવાત થવાની શક્યતા છે. આ ચક્રવાતના લીધે ગુજરાતનું હવામાન પણ પલટાઈ શકે. જેની અસર હાલ દેખાશે. ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે કોઈપણ ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે. ચોમાસાના આ અંતિમ પડાવમાં અનેક વિસ્તારમાં વરસાદ પડી શકે છે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ, હાલમાં નવરાત્રિમાં તારીખ 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં આ દિવસોમાં દરિયા કિનારાના જિલ્લાઓમાં વરસાદનું પ્રમાણ થોડું વધુ રહેશે. તેમજ ઉત્તર-મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદી ઝાપટાની શક્યતા છે.

તેમણે કહ્યું કે, 5 મી ઓક્ટોબર સુધીમાં દરિયામાં પવનોનું જોર વધુ રહેશે. અને 8 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર વચ્ચે બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઉભી થશે. જેમાં ચક્રવાત થવાની પણ શક્યતા રહેશે. આ સીઝનનું પ્રથમ ચક્રવાત બની શકે છે. જેના લીધે દેશના દક્ષિણી પૂર્વીય તટ પર ભારે વરસાદની શકતા રહેશે. ત્યારે આ દિવસોમાં નવરાત્રિના છેલ્લા નોરતા છે, જેની અસર નવરાત્રિ પર પડી શકે છે.

(6:02 pm IST)