Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

સોજીત્રા તાલુકાના મલાતજ ગામની સીમમાં સ્કૂલ બસે બાઇકને ટક્કર મારતા બે શખ્સો ઈજાગ્રસ્ત

આણંદ : સોજિત્રા તાલુકાના મલાતજ ગામની સીમ વિસ્તારમાં મલાતજ-કાસોર રોડ ઉપર મોટી નહેરના ગરનાળા નજીક એક સ્કૂલ બસે મોટરસાયકલને ટક્કર મારતા બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જો કે એક યુવકનું સારવાર દરમિયાન કરૂણ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે બસ ચાલક વિરુધ્ધ અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મલાતજ ગામે રહેતા જગદીશભાઈ કનુભાઈ તળપદા તેમના મિત્ર વસીમભાઈ અયુબભાઈ ખલીફાને લઈ નવું બાઈક લેવાનું હોવાથી નડિયાદ ખાતે નોંધણી કરાવવા મોટરસાયકલ લઈ બપોરના સુમારે નીકળ્યા હતા. દરમ્યાન આ મોટરસાયકલ વસીમભાઈ હંકારી રહ્યા હતા. તેઓની મોટરસાયકલ મલાતજ ગામની સીમ વિસ્તારમાં મલાતજ-કાસોર રોડ પર આવેલ ગરનાળુ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે મલાતજ તરફથી આવી રહેલ એક સ્કુલ બસના ચાલકે પોતાની બસ પુરઝડપે, ગફલતભરી રીતે અને બેફિકરાઈથી હંકારી લાવી મોટરસાયકલને ટક્કર મારી હતી. જેથી મોટરસાયકલ પર સવાર બંને શખ્સો રોડની વચ્ચોવચ પડી ગયા હતા. આ અકસ્માતમાં બસે વીસેક ફૂટ જેટલા રોડ ઉપર બાઈક સાથે બંને શખ્સોને ઢસડયા બાદ બસ ઉભી રાખી હતી. આ અકસ્માતને પગલે વસીમભાઈ અને જગદીશભાઈને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી બંનેને સારવાર અર્થે ૧૦૮ વાન મારફતે તુરત જ કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં વસીમભાઈનું સારવાર દરમ્યાન કરૂણ મોત નીપજ્યું હતું. 

(5:12 pm IST)