Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

ટોલ ટેકસ નહિં ઘટાડાતા ટ્રાન્‍સપોર્ટરો લડતના માર્ગે?: ૧૦મીની બેઠક બાદ નવી રણનીતિ ઘડશે

અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્‍સપોર્ટ એસો.ની પત્રકાર પરિષદ

(કેતનખત્રી) અમદાવાદ : સરકારે લેખિત નિયમમાં જાહેર કર્યુ હતું કે એનએચએઆઇ દ્વારા બનાવાવમાં આવતા માર્ગોમાં બોટ (બીઓટી) ધોરણે નિર્ણાણ થયુ હશે તો તેનું નિર્માણ પૂરૂ થતા સરકારને તે રોડ સોંપી દેવાશે અને ત્‍યાર બાદ ફક્‍ત મેઇન્‍ટેનન્‍સ કરવાનું રહેશે અને તેનો અર્થ એ કે તે રોડ પર ફક્‍ત છેલ્લા લેવાતા ટોલટેક્‍સમાંથી ૪૦ ટકા જ લેવામાં આવશે, છતા પણ આજ સુધી તેનો અમલ નહી થતા અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્‍સપોર્ટ એસોસિયેશને હવે ઉગ્ર પગલાં લેવાનું નક્કી કર્યુ છે.

અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્‍સપોર્ટ એસોસિયેશનના કાર્યકારી પ્રમુખ મુકેશ દવેએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્‍યું હતુ કે ગુજરાતમાં આવા છ માર્ગો છે જેમાં ટોલ લોકેશન પ્રમાણે જોઇએ તો તેમાં બરોડા-ભરૂચ, ભરૂચ-સુરત, સુરત દહીંસરના ચાર હાઇવે જે આયુષ અજય કંસ્‍ટ્રક્‍શન પ્રા. લિમીટેડ અને આઇઆરબી દ્વારા બનાવવામાં આવ્‍યા હતા તેની અવધિ ૨૦૨૨ અને ૨૦૨૧માં પૂર્ણ થઇ ગઇ હોવા છતાં પણ પૂરેપૂરો ટોલટેક્‍સ વસૂલવામાં આવે છે. આમ બિલ્‍ટ-ઓપરેટ અને ટ્રાન્‍સફરની શરતત મુજબ સરકારને ટ્રાન્‍સફર કર્યા પછી પણ ૪૦ ટકા જ ટોલટેક્‍સ વસૂલવાના નિયમનો ધરાર અનાદર થઇ રહ્યો છે. એટલુ જ નહી સરકારે થર્ડ લેનમાં ટ્રક જવી ન જોઇએ તેવુ ઠરાવ્‍યુ છે ત્‍યારે જો માર્ગો પરના ખાડાને કારણે થોડી પણ ટ્રક થર્ડ લેનમાં જાય તો તેને જેલભેગો કરી દેવામાં આવે છે.શ્રી દવેએ વધુમાં જણાવ્‍યું હતુ કે આ બાબતે અમે કેન્‍દ્રને તથા રાજ્‍ય સરકારને વારંવાર જાહેરાતો કરી હોવા છતા આજ દિન સુધી ઉકેલ નહી આવતા દેશભરના ટ્રાન્‍સપોર્ટર્સ હાથ મિલાવીને આ દિશામાં કોઇ નક્કર કદમ ઉઠાવશે. જેના અનુસંધાનમાં આગામી ૧૦ ઓક્‍ટોબરના રોજ ઓલ ઇન્‍ડિયા મોટર ટ્રાન્‍સપોર્ટ કોંગ્રેસની મુંબઇ ખાતે યોજાનાર છે જેમાં આગળ કેવી રણનીતિ ઘડવી તે અંગે ચર્ચા કરાશે.

(6:15 pm IST)