Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

રાજય સરકારના વકિલોના પગાર વધ્‍યા

એડવોકેટ જનરલ-યુપી-પીપી- તમામ પોસ્‍ટના પગાર થયા લગભગ ડબલ

અમદાવાદ, તા.૨૬: આને દબાણ કહો કે ચૂંટણી પહેલા રાજયના કર્મચારીઓ પ્રત્‍યેની ઉદારતાનો ભાગ, ગુજરાત સરકારે નવરાત્રીના આ દિવસોની તહેવારી સીઝનમાં કાયદા વિભાગના કર્મચારીઓને મોટો લાભ આપ્‍યો છે. જો કે આ પગાર વધારો લગભગ ૧૦ વર્ષ પછી અપાયો છે.

રાજયના એડવોકેટ જનરલનો પગાર ૧ લાખથી વધારીને બે લાખ કરાયો છે અને તેમની ઓફીસનો ખર્ચ ૧૫,૦૦૦ થી વધારીને ૩૦,૦૦૦ કરાયો છે. ગર્વનમેન્‍ટ પ્‍લીડરને હવે ૭૫૦૦૦ને બદલે ૧ લાખ મળશે અને તેમનો ઓફીસ ખર્ચ ૧૦,૦૦૦ થી વધારીને ડબલ એટલે કે ૨૦,૦૦૦ કરવામાં આવ્‍યો છે. રાજયના બે પબ્‍લીક પ્રોસીકયુટરોને ૩૩ ટકા વધારો મળ્‍યો છે. તેમનો પગાર ૭૫૦૦૦ થી વધારીને ૧ લાખ કરવામાં આવ્‍યો છે અને ઓફીસ ખર્ચ ૧૦ હજારથી વધારીને ૨૦ હજાર કરવામાં આવ્‍યો છે.

આસીસ્‍ટન્‍ટ પબ્‍લીક પ્રોસીકયુટરને હવે ૪૦,૦૦૦ની જગ્‍યાએ ૫૦,૦૦૦ મળશે. મંથલી પ્રોફેશનલ ફી ૧.૫૦ લાખથી વધીને ૧.૭૫ લાખ થઇ ગઇ છે. રાજયમાં ૧૦ આસીસ્‍ટંટ પબ્‍લીક પ્રોસીકયુટર છે તાજેતરમાં ૧૧ નવાની નિમણુંક થઇ છે. તો એજીપીની રીટેઇલનરશીપ ૪૦,૦૦૦ થી વધીને ૫૦,૦૦૦ કરાઇ છે જયારે પ્રોફેશનલ ફી ૧.૪૦ લાખથી વધારીને ૧.૫૦ લાખ થઇ છે. ડ્રાફટ પીટીશન / અપીલ / જવાબની સેટલમેંટ ફી મોટી મેટર માટે ૧૦૦૦ થી વધારીને બે હજાર કરાઇ છે, જયારે સામાન્‍ય મેટર માટે ૧૦૦૦ રૂપિયા રહેશે.

સીનીયર ભાજપા નેતા અને રાજયના કાનુનમંત્રી રાજેન્‍દ્ર ત્રિવેદીએ કહ્યું કે રીટેઇનરશીપમાં વધારાની માંગણી લાંબા સમયથી હતી. કાયદા વિભાગ દ્વારા તેમની માંગણી અનુસારનો વધારો કર્યો છે.

(3:54 pm IST)