Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

ચોખા બાદ મમરા-પૌવાનું હબ બનતું બાવળા

કોરોના કાળ પહેલા ૧૫ થી ૨૦ ફેકટરી હતી ત્‍યાં હવે ૪૦ થી ૫૦ ફેકટરીઓ ધમધમે છેઃ ઉદ્યોગપતિઓ ગોંડલ બાદ હવે બાવળા પર પસંદગી ઉતારે છે : બાવળા પંથકમાં ૧૦ થી ૧૫ જાતના ચોખાનું ઉત્‍પાદન થતુ હોય ટ્રાન્‍સપોર્ટેશન ખર્ચ બચાવવા મમરા-પૌવાની ફેકટરી માટે ઉદ્યોગપતિઓ બાવળાની પસંદગી કરે છે : બાવળા પંથકના ચોખાની વિદેશમાં અને મમરા- પૌવાની દેશના વિવિધ પ્રાંતોમાં ભારે ડીમાન્‍ડ : મમરા-પૌવાના મીની પ્‍લાન્‍ટ ત્રણ વિઘામાં ર થી પ કરોડમાં અને મોટો પ્‍લાન્‍ટ ૧૦ વિઘામાં ૧૦ થી ૧૧ કરોડમાં થાય છે

રાજકોટ, તા., ર૬: રાજકોટ-અમદાવાદ હાઇવે પર અમદાવાદથી ૩૦ કી.મી. પહેલા  આવેલ બાવળા ગામ હવે ચોખાની સાથે મમરા અને પૌવાનું પણ હબ બનતુ જાય છે. બાવળા પંથકમાં કોરોના કાળ પછી મમરા અને પૌવાની નવી ફેકટરીઓમાં ધરખમ વધારો થયો છે.
રાજકોટના સંદીપ નમકીનવાળા બકુલભાઇ રૂપાણી (મો. ૯૯૯૮૭ ૧૬૯૦૦) એ આ અંગે વિશેષ વિગતો આપતા જણાવ્‍યું હતું કે, ચોખાનું હબ ગણાતા બાવળા પંથકમાં કોરોના પહેલા મમરા અને પૌવાની ૧૫ થી ર૦ ફેકટરી હતી. ત્‍યાં હવે ૪૦ થી ૫૦ ફેકટરીઓ ધમધમે છે. ઉદ્યોગપતિઓ મમરા અને પૌવા માટે પહેલા  ગોંડલની પસંદગી કરતા હતા તેને બદલે હવે બાવળા પર પસંદગી ઉતારી રહયા છે. બાવળા પંથકમાં અલગ-અલગ ૧૦ થી ૧૫ જાતના ચોખાનું ઉત્‍પાદન થતું હોય ટ્રાન્‍સપોર્ટેશન ખર્ચ બચાવવા ઉદ્યોગપતિઓ  મમરા અને પૌવા સહીતના નમકીન માટે બાવળા પર પસંદગી ઉતારી રહયા છે.
બાવળા, સાણંદ, આણંદ, ખેડા, નડીયાદ તથા ધોળકા જેવા વિસ્‍તારોમાં ચોખાની અલગ-અલગ ૧૦ થી ૧૫ જાતનું મોટા પાયે વાવેતર થાય છે. જેમાં શ્રીરામ, ગુજરાત-૧૭, મોતી બાસમતી, પંજાબ-૬, પરીમલ આઇઆર ટુકડી જેવા ચોખાનો દૈનિક હજારો ટનનો વેપાર થાય છે. બાવળા પંથકના ૪૨ ગામડાઓમાં ડાંગર અને ચોખાનું મોટુ વાવેતર થાય છે. નવાઇની વાત એ છે કે ચોખાની કણીથી માંડી ફોતરીના પણ રૂપીયા ઉપજે છે. એક કણ પણ વેસ્‍ટ જતી નથી. બાવળા થી અમદાવાદ વચ્‍ચે બોઇલ ચોખાની ૧૦૦ થી પણ વધારે મીલો છે. ચોખાની મીલો કરોડોના ખર્ચે બને છે. ચોખાની મીલના માલીકો દલાલ સિવાય વેપાર કરતા નથી.  બાવળાથી ગાંધીધામ-કચ્‍છના એક્ષપોર્ટરો  ચોખાનું પ૦ કે.જી. વજનમાં વિદેશમાં જંગી જથ્‍થામાં એક્ષપોર્ટ કરે છે.વિદેશમાં બાવળા પંથકના ચોખાની ભારે ડીમાન્‍ડ છે.
બાવળા પંથકના મોટાભાગના ચોખા આફ્રિકા એક્ષપોર્ટ થાય છે. ચોખાની ટુકડીને વાટલો બોલવામાં આવે છે. ફલોર મીલ વાળા તેની મોટા પાયે ખરીદી કરે છે. પાપડ નમકીનમાં પણ તેનો ખુબ ઉપયોગ થાય છે. ચોખાની ફોતરીનો ગાય-ભેંસોના તબેલાવાળા ખાણમાં ઉપયોગ કરે છે. મરઘા ઉછેર કેન્‍દ્રવાળા પણ ચોખાના રીજેકશનનો ઉપયોગ કરે છે.  દારૂની ફેકટરીવાળાઓ પણ રીજેકશન ચોખાની મોટાપાયે ખરીદી કરે છે.
બાવળા પંથકમાં સૌથી વધારે ચોખાની મીલો હોય હવે ચોખાની પ્રોડકટમાંથી બનતા મમરા અને પૌવાની ફેકટરીઓ પણ ધમધમવા લાગી છે. હાલમાં બાવળા પંથકમાં મમરા અને પૌવાની ૪૦ થી પ૦ ફેકટરીઓ ચાલુ છે. મમરા અને પૌવાની ફેકટરીનો નાનો પ્‍લાન્‍ટ ૩ વિઘામાં બે થી પાંચ કરોડના ખર્ચમાં ઉભો થઇ જાય છે. જયારે મોટો પ્‍લાન્‍ટ ૧૦ વિઘાથી વધુ જમીનમાં અંદાજે ૧૦ થી ૧ર કરોડમાં ઉભો થઇ જાય છે. ઉદ્યોગપતિઓ ગોંડલ પછી બાવળાની મમરા અને પૌવાની ફેકટરી બનાવવા માટે પસંદગી કરે છે તેનું એક કારણ ત્‍યાંનું વાતાવરણ અનુકુળ આવે છે. બીજુ કારણ બાવળા ચોખાનું હબ હોય ચોખાની ખરીદી માટે ટ્રાન્‍સપોર્ટ ખર્ચ બચે છે.
બાવળા પંથકમાં ધમધમતી ફેકટરીઓમાં  મીની પ્‍લાન્‍ટમાં દૈનિક ૧૦૦૦ બેગ અને મોટા પ્‍લાન્‍ટમાં દૈનિક રપ૦૦ થી ૩૦૦૦ બેગનું ઉત્‍પાદન થાય છે. આ મમરા-પૌવા સહીતના નમકીનનું દેશના વિવિધ પ્રાંતોમાં મોટી ડીમાન્‍ડ છે. ખાસ કરીને મહારાષ્‍ટ્રમાં મમરાની ભારે ડીમાન્‍ડ છે.

 

(3:46 pm IST)