Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

ભુજથી અમદાવાદ આવીને અસલી -નકલી કરન્સી નામે ઠગાઇનો પ્લાન નિષ્ફ્ળ : ઠગ ત્રિપુટી ઝડપાઇ

આરોપી મુખ્ય સૂત્રધાર સાલે અલી સમા ગાંધીનગરના કુખ્યાત જશું ચૌધરીનો સાગરીત હોવાનું ખુલ્યું

અમદાવાદ : કચ્છથી અમદાવાદમાં આવી અસલી-નકલી કરન્સીના નામે લોકો સાથે ઠગાઈની યોજના બનાવનાર ઠગ ત્રિપુટી પોલીસની ચાલમાં આબાદ સપડાઈ હતી. ડીસીપી ઝોન-2 સ્કોડે આરોપીઓ પાસેથી રૂ. 1.45 લાખની રોકડ, રૂ.5 લાખની કાર સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસ તપાસમાં ખૂલેલી વિગત મુજબ મુખ્ય સૂત્રધાર સાલે અલી 20 વર્ષથી આ રીતે લોકો સાથે ઠગાઈ આચરે છે. અગાઉ તે ગાંધીનગર વાવોલના અલીસા ગામે રહેતાં જશુ ચૌધરી સાથે મળીને ઠગાઈ કરતો હતો. જો કે 10 વર્ષ અગાઉ ચૌધરીની હત્યા થઈ જતાં પોતાના વતનના યુવકોને સાથે રાખી ઠગાઈનો વેપલો શરૂ કર્યો હતો.

ઝોન 2 ડીસીપી વિજય પટેલના સ્કોડના લોકરક્ષક જવાન મુસ્તુફાખાન સરદારખાન પોલીસ કોન્સ્ટેબલ સંજય માધાભાઈ, જયેશકુમાર બાબુલાલ, રાજેન્દ્રકુમાર કાંતિલાલ અને સંજયસિંહ ખુમાનસિંહ સાથે શુક્રવારે પેટ્રોલિંગમાં હતાં. સુભાષબ્રિજ તરફ સ્કોડ પહોંચી તે સમયે મુસ્તુફાખાનને બાતમી મળી હતી કે, ભુજના કેટલાંક શખ્સો સ્વિફ્ટ કાર લઈને અમદાવાદમાં મોતી મહલ હોટેલમાં રોકાયા છે. જે આરોપીઓ લાલચી અને નબળા મનના લોકો સાથે વાત કરી હાજી તરીકે પોતાની ઓળખ આપે છે. બાદમાં પોતાની પાસેની નકલી ચલણી નોટો કોઈ પણ બજારમાં ચાલી જાય તેવી છે. તેમ કહીને સામેવાળી વ્યક્તિનો વિશ્વાસ જીતે છે

 

આરોપીઓ આ રીતે અસલી ચલણી નોટો સામે નકલી નોટો ડબલ આપવામાં આવશે તેવી લાલચ ગ્રાહકને આપે છે. ગ્રાહક સાથેના પહેલા સોદામાં આરોપીઓ અસલી નોટ આપતા હતાં. જે અસલી કરન્સી માર્કેટમાં ચાલી જાય એટલે ગ્રાહકને ટોળકી પર વિશ્વાસ બેસતો હતો. બીજા સોદામાં આરોપીઓ જે તે ગ્રાહકને નકલી કરન્સી આપી તેની સાથે ઠગાઈ આચરે છે. હાલમાં આરોપીઓ અમદાવાદમાં જ છે.

ઝોન 2 સ્કોડએ બાતમીના આધારે ડમી ગ્રાહક ઉભો કરી આરોપીઓનું છટકું ગોઠવ્યું હતું. જે મુજબ આરોપીઓ ડમી ગ્રાહકને કરન્સી આપવા માટે આવ્યાને પોલીસે ઝડપી લીધા હતાં. પોલીસે પકડેલા શખ્સમાં હાસમખાન ફઝલખાન પઠાણ રહે. એરપોર્ટ રોડ, ભુજ, 63 વર્ષના સાલે અલી શમા રહે. ધ્રોબાણા, ભૂજ અને અબ્દુલ ખામીશા કેવર રહે. સંજોગનગર મોટા પીર રોડ, ભુજનો સમાવેશ થાય છે.

પોલીસે આરોપીઓ પાસેથી રૂ.5 લાખની ત્રણ દિવસ અગાઉ ખરીદ કરેલી કાર, રોકડા 1.45 લાખ, 5 મોબાઈલ અને અંગઝડતીની રકમ મળીને કુલ રૂપિયા 7.36 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપી સાલે અલી સમા મુખ્ય સૂત્રધાર હોવાનું અને ગાંધીનગરના કુખ્યાત જશું ચૌધરીનો સાગરીત હોવાનું ખુલ્યું છે. રાણીપ પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(12:11 pm IST)