Gujarati News

Gujarati News

News of Sunday, 26th June 2022

ગુજરાત એટીએસ મુંબઇથી તિસ્તા સેતલવાડને અમદાવાદ લાવ્યા :ક્રાઈમ બ્રાન્ચને સોંપતા ધરપકડ : કરશે પૂછપરછ

સંજીવ ભટ્ટને ટ્રાન્સફર વોરંટથી પાલનપુર જેલથી અમદાવાદ લવાશે :ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રિમાન્ડની માગ કરશે

અમદાવાદ :ગુજરાત એટીએસએ મુંબઇથી ગતસાંજે તિસ્તાની અટકાયત કરી હતી. ત્યારબાદ મોડી રાત્રે તિસ્તાને અમદાવાદ લાવવામાં આવી હતી. અને વહેલી સવારે એટીએસે ક્રાઈમ બ્રાન્ચને સોંપતા તેની ધરપકડ કરવામાં આવી છે. સવારે 6 વાગે તિસ્તા સેતલવાડને ગુજરાત ATSએ ક્રાઈમ બ્રાન્ચને હવાલે કરી હતી. તિસ્તા સેતલવાડને મેડિકલ રિપોર્ટ માટે ક્રાઈમ બ્રાન્ચથી વીએસ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.

ગુજરાત એટીએસે મુંબઈ પહોંચી તિસ્તા સેતલવાડની અટકાયત કરી હતી. શાંતાક્રૂઝ પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવી તેને અમદાવાદ લઈ રવાના થઈ હતી. 3 જેટલા વાહનોના કાફલા સાથે તિસ્તા સેતલવાડને મુંબઈથી અમદાવાદ લાવવામાં આવી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ફરિયાદ બાદ તિસ્તાની અટકાયત બાદ આજે રવિવારે સવારે 6 વાગ્યે ધરપકડ કરાઈ હતી. અત્યાર સુધી તિસ્તા અને શ્રીકુમારની ધરપકડ કરાઈ છે. જ્યારે સંજીવ ભટ્ટને ટ્રાન્સફર વોરંટથી પાલનપુર જેલથી અમદાવાદ લાવવામાં આવશે. આજે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રિમાન્ડની માગ કરવામાં આવશે. તેવું સુત્રોએ જણાવ્યું છે.

2002ના ગુજરાત રમખાણો મુદ્દે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત ખાસ તપાસ ટીમ(SIT)એ તત્કાલીન મુખ્યમંત્રીને ક્લીનચીટ આપી હતી. તેને જાકિયા ઝાફરી દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે જાકિયા ઝાફરીની અરજી ફગાવી દેતાં કાયદાકીય પ્રક્રિયાનો દૂરુપયોગ કરનાર સામે કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેને પગલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સંજીવ ભટ્ટ, આર બી શ્રીકુમાર અને તિસ્તા સેતલવાડ સામે ફરિયાદ નોંધી હતી.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પોલીસ ઈન્સપેક્ટર દર્શનસિંહ બારડે નોધાવેલી ફરિયાદમાં સંજીવ ભટ્ટ, આર બી શ્રીકુમાર અને તિસ્તા સેતલવાડને આરોપી તરીકે દર્શાવાયા છે. ફરિયાદમાં જાકિયા જાફરીને મદદ કરતા તેની કોર્ટ પિટિશન, એસઆઇટીના વડા સમક્ષ ખોટા દસ્તાવેજી પૂરાવાઓ સાચા તરીકે ઉપયોગ માટે રજૂ કર્યા હતા. આરોપીઓ સામે આઈપીસી 468, 471, 194, 211, 218 અને 120 બી મુજબ ગુનો નોધાયો હતો.

(7:11 pm IST)