Gujarati News

Gujarati News

News of Sunday, 26th June 2022

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે પ્રોટોકોલ તોડીને SOUમાં પરિવાર સાથે જંગલ સફારીની સફર માણી

અમિતભાઈ શાહ SOU નો પ્રવાસ કરતા જોઈ અન્ય પ્રવાસીઓ ખુશખુશાલ થઈ ઉઠ્યા:કેન્દ્રીય ગૃહમંત્રીએ લોકોનું અભિવાદન કેમ છો ભાઈ, કાકા, દાદા કહી કર્યું

અમદાવાદ :કેવડિયા SOU ઉપર સામાન્ય હાઈ પ્રોફાઇલ VVIP ની મુલાકાત હોય ત્યારે સામાન્ય પ્રવાસીઓ માટે તેટલો સમય મુલાકાત બંધ કરાઈ છે. જોકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહે પ્રોટોકોલ તોડી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને જંગલ સફારીની મુલાકાત સામાન્ય મુલાકાતીની જેમ જ પરિવાર સાથે માણી હતી. પોતાની સાથે અમિતભાઈ  શાહ SOU નો પ્રવાસ કરતા જોઈ અન્ય પ્રવાસીઓ ખુશખુશાલ થઈ ઉઠ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રીએ લોકોનું અભિવાદન કેમ છો ભાઈ, કાકા, દાદા કહી કર્યું હતું.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ  શાહે એકતાનગરની દ્વિ-દિવસીય મુલાકાત દરમિયાન સરદાર વલ્લભભાઇ પટેલ ઝૂલોજીકલ પાર્ક (જંગલ સફારી) ની પરિવાર સાથે મુલાકાત લીધી હતી.

જંગલ સફારી પાર્કની મુલાકાત દરમિયાન અમિત શાહે પ્રોટોકોલ તોડીને પ્રવાસીઓ સાથે ભળી જઈ પ્રવાસીઓનું અભિવાદન ઝીલ્યું હતું પ્રવાસીઓ એ પણ ભારત માતાની જય ના બુંદલનારાથી મંત્રીના સ્વાગત કર્યું હતું.

અમિત શાહે તેમની SOU એકતાનગરની દ્વિ-દિવસીય મુલાકાતના પ્રથમ દિવસે તેમના પરિવારજનો સાથે સરદાર વલ્લભભાઇ પટેલ ઝૂલોજીકલ પાર્ક (જંગલ સફારી)ની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમ્યાન મંત્રી અમિતભાઈ  શાહની સાથે જંગલ સફારીનાં નિયામક ડૉ. રામરતન નાલા સહિતનાં અધિકારીઓ જોડાયા હતા.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ  શાહે જંગલ સફારીના વિવિધ વિભાગોની મુલાકાત લઈને ડૉ.રામરતન નાલા પાસેથી વન્ય જીવોને પુરી પાડવામાં આવતી સુવિધા અને ખોરાક અંગે જાણકારી મેળવી હતી. ખાસ કરીને પ્રાણી-પક્ષીઓની લેવામાં આવી રહેલી કાળજી અંગે પૃચ્છા કરી હતી અને થઇ રહેલી કામગીરીથી સંતોષ પણ વ્યક્ત કર્યો હતો.

તેઓ ઇન્ડિયન બર્ડ એવિયરી નિહાળી ખુબ જ પ્રભાવિત થયા હતા. આ મુલાકાત દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલ ઝૂલૉજિક્લ પાર્ક મારફતે સ્થાનિકોને મળી રહેલ રોજગારી બાબતે માહિતી આપી હતી. ઇન્ડીયન બર્ડ એવીયરીમાં ડુમખલ પોપટ સાથે હળવાશની પળો પણ તેઓએ માણી હતી.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શાહની જંગલ સફારી પાર્કની મુલાકાત દરમિયાન આ સફારી પાર્કમાં રૂટિન મુલાકાત માટે આવતા પ્રવાસીઓને કોઈ તકલીફ કે અવગડ ન પડે તે માટે સામાન્ય દિવસોની જેમ જ પ્રવાસીઓને કોઈપણ જાતના અવરોધ વિના પ્રવાસીઓની અવરજવર જારી રખાઈ હતી.

જંગલ સફારી પાર્કની ઉક્ત મુલાકાત દરમિયાન કેન્દ્રિય મંત્રી શાહે પ્રોટોકોલ તોડીને મુલાકાતી પ્રવાસીઓ પાસે સામે ચાલીને પહોંચી ગયા હતા. અને તેમનુ અભિવાદન ઝીલીને પ્રવાસીઓનો ઉત્સાહ વધાર્યો હતો. મુલાકાતી પ્રવાસીઓએ પણ ભારત માતા કી જય ના બુલંદનારા સાથે મંત્રીનું સ્વાગત કરી ધન્યતાની અનુભૂતિ કરી હતી. તેમની સાથે પત્ની અને પૌત્રી પણ રહ્યાં હતાં.

(7:07 pm IST)