News of Sunday, 26th June 2022
અમદાવાદ :રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા રાષ્ટ્રિય કાનૂની સેવા સત્તામંડળ, સરદાર વલ્લભભાઇ પટેલ નેશનલ પોલીસ એકેડેમી, નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી તેમજ બ્યુરો ઑફ પોલીસ રિસર્ચ એન્ડ ટ્રેનિંગના સંયુક્ત ઉપક્રમે “બાળકો પરના જાતીય શોષણના ગુનાઓમાં ભોગ બનનારને મદદરૂપ થવા માટેના પાસાંઓ અને પોક્સો એક્ટ અમલીકરણમાં અવરોધક પરિબળો” વિષય પર નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે એક સલાહકારી બેઠક યોજવામાં આવી હતી. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત જિલ્લા કોર્ટના ન્યાયાધીશઓ, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના વકીલો, ફોરેન્સિક નિષ્ણાંતો તથા આઠ રાજ્યના પોલીસ અધિકારીઓ તથા રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના પ્રતિનિધિઓ હાજર રહ્યાં હતાં.
બાળકો પરના જાતીય શોષણના ગુનાઓમાં કન્વીક્શન રેટ વધારવાની દિશામાં રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે ત્યારે આ કાર્યક્રમ ગુજરાતમાં આયોજિત કરવા બદલ રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગનો આભાર વ્યક્ત કરી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, બાળકો ઉપર થતી જાતીય સતામણી અટકે તથા આ પ્રકારના ગુનાઓ આચરતા વિકૃત નરાધમોને કડકમાં કડક સજા થાય તે બાબતમાં વિશેષ ગંભીરતા ખૂબ જ જરૂરી છે. આ પરિસંવાદ તે દિશામાં ખૂબ જ મહત્વનો સાબિત થશે. બાળકો ઉપર જાતીય સતામણીના ગુનાઓમાં પોલીસ ફરિયાદથી માંડીને ઇન્વેસ્ટિગેશન, ચાર્જશીટ, સાંયોગિક અને વૈજ્ઞાનિક પુરાવા માટે ફોરેન્સિક સપોર્ટ તેમજ કોર્ટ કાર્યવાહી અને ગુનામાં સજા સુધીની સમગ્ર પ્રક્રિયા દરમિયાન સવિશેષ બારીક તકેદારી રાખવી જરૂરી છે. જેના કારણે જ ગુજરાતમાં આવા ગુનેગારોને ખૂબ જ ટૂંકા સમયગાળામાં ચાર્જશીટ અને કડક સજા અપાવવામાં સફળતા મળી છે.
મંત્રીએ ઉમેર્યું કે, બાળકોની સુરક્ષા એ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહનો પણ હરહંમેશથી સંકલ્પ રહ્યો છે ત્યારે આ સંકલ્પને સિદ્ધ કરવા ગુજરાત અવિરત આગળ વધી રહ્યું છે અને પોક્સો એક્ટનું પાલન ગુજરાતમાં ખૂબ જ કઠોરતા, કડકાઈ અને ગંભીરતાથી કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં બાળકો ઉપર થતી જાતીય સતામણીના ગુનાઓમાં વિશેષ ગંભીરતા દાખવીને ગણતરીના દિવસોમાં જ ગુનાની ચાર્જશીટ અને તે ગુનાના આરોપીઓને કડક સજા આપ્યાના અનેક દાખલાઓ છે. તેના માટે રાત દિવસ જોયા વિના ગુનાની તપાસ કરનાર પોલીસ અધિકારીઓનો તથા ન્યાયતંત્રનો મંત્રીએ ખાસ આભાર માન્યો હતો.
ગુજરાતમાં નાગરિકોને પોક્સો એક્ટના પાલન ઉપર વિશ્વાસ છે તેની પાછળ આ ગુનાઓમાં ગુજરાત પોલીસનું ઝડપી ઇન્વેસ્ટિગેશન, ચાર્જશીટ અને જસ્ટિસ ડિલિવરી સ્પીડ કારણભૂત છે. મંત્રીએ ઉમેર્યું કે, ૬૦ દિવસોમાં ચાર્જશીટને બદલે ગુજરાતમાં ૬૦ દિવસમાં ચુકાદો આવી જાય અને આ ગુનામાં ભોગ બનનાર બાળકો તથા તેના પરિવારને ત્વરિત ન્યાય મળે તે પ્રકારની વ્યવસ્થાને કારણે ગુજરાતમાં હવે આવા ગુનેગારો પર લગામ લાગી છે.
મંત્રીએ છેલ્લા સાત-આઠ મહિનામાં પોક્સો અંતર્ગત ન્યાયતંત્ર દ્વારા આપવામાં આવેલા ચુકાદાઓ અને તે પહેલા ગુનામાં પોલીસે રાત-દિવસ એક કરીને ખુબ જ ઝડપી કરેલી તપાસ અને ચાર્જશીટના દાખલા આપી જણાવ્યું હતું કે, બાળકોની સુરક્ષા એ આપણા સૌની સૌથી મોટી જવાબદારી છે. વિવિધ સરકારની રાજકીય વિચારધારા અલગ હોઈ શકે પણ સમાજ પ્રત્યેની જવાબદારી એક જ હોવી જોઈએ. બાળકો સાથે જાતીય સતામણી કરતા તત્વોને કડકમાં કડક સજા થાય તે આપણી સૌની જવાબદારી છે અને તે માટે આપણે સૌ પોલીસ તંત્ર, ન્યાય તંત્ર તેમજ બાળ અધિકાર સંરક્ષક સંસ્થાઓએ એક થઈને જાગૃતતા લાવવી પડશે.