Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

આણંદ સહીત સોજીત્રામાં ચોરીના મુદામાલ સાથે પોલીસે એક શખ્સને ઝડપી પાડયો

આણંદ : ઓડ તથા આણંદ શહેરના મંદિરોમાં  ચોરી કરનાર સોજીત્રાના તરુણભાઈ રબારી નામના શખ્સને આણંદ શહેર પોલીસે ચોરીના મુદ્દામાલ તેમજ એક ટુવ્હીલર મળી કુલ ૭૪,૦૦૦ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા કેટલાક સમયથી આણંદ જિલ્લાના વિવિધ સ્થળોએ આવેલા મંદિરોમાં ચોરી થવાની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. જેને લઈ કોઈ ચોક્કસ શખ્સ દ્વારા મંદિરોને ટાર્ગેટ કરવામાં આવતા હોવાનું ઉજાગર થતા જિલ્લા પોલીસ વડાની સૂચના હેઠળ પોલીસની ટીમો કામે લાગી હતી. જેમાં આણંદ શહેર પોલીસની ટીમ દ્વારા વિશેષ કામગીરી હાથ ધરાઈ હતી. દરમ્યાન  આણંદ-સોજિત્રા રોડ પર આવેલ અંબા માતાના મંદિરમાં થયેલ અને ઓડ ગામે સ્વામિનારાયણ મંદિરમાં થયેલ ચોરીનો મુદ્દામાલ લઈ એક શખ્સ વેચાણ અર્થે આણંદ આવનાર હોવાની બાતમી પોલીસને મળી હતી. જેથી આણંદ શહેર પોલીસની ટીમ શહેરના લોટીયા ભાગોળ નજીક ગુપ્ત વોચમાં ગોઠવાઈ હતી. બાતમીદારના વર્ણન મુજબનો એક શખ્સ એક ટુવ્હીલર ઉપર  બોરસદ ચોકડી તરફથી લોટીયા ભાગોળ તરફ આવી ચડતા પોલીસે શંકાને આધારે તેને અટકાવ્યો હતો. પોલીસે તેના નામ-ઠામ અંગે પૂછપરછ કરતા તે તરુણભાઈ નાગજીભાઈ રબારી (રહે. સૂર્યનગર સોસાયટી, રબારીવાસ સાંઈબાબા મંદિર પાછળ આણંદ, મૂળ રહે-સોજિત્રા) હોવાનું જણાવ્યું હતું. પોલીસે થેલાની તલાશી લેતા અંદરથી ચાંદીનું છત્ર, પાવડી તથા ભગવાનની મૂર્તિઓ મળી આવી હતી. જે અંગે પૂછપરછ કરતા તે ગલ્લા-તલ્લા કરવા લાગ્યો હતો જેથી પોલીસે તેને શહેર પોલીસ મથકે લાવી યુક્તિ પ્રયુક્તિથી ઘનિષ્ઠ પૂછપરછ કરતા તે ભાંગી પડયો હતો અને ઉમા ભવન સામે આવેલ અંબે માતાના મંદિરમાં તથા ઓડ ગામે સ્વામીનારાયણ મંદિર ઉપરાંત વિવિધ નાના મોટા મંદિરોમાં અનેક ચોરીને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. 

(5:53 pm IST)