Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

નડિયાદ:ડાકોર નજીક ગોધરા જતી ગાડીને રોકી લૂંટ ચલાવનાર ગઠિયા વિરુદ્ધ ગુનો દાખલ

નડિયાદ : બુધવારે  વહલી સવારે મહુધા ડાકોર રોડ પર ગોધરા જતી એક ગાડી રોકીને લૂંટારુઓ લાખો રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. સવારના સમયે સૂમસામ રસ્તાનો લાભ લઇ ફિલ્મી સ્ટાઇલે ગાડીની આગળ ગાડી રોકીને ઝપાઝપી કરી મહિલાના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર અને રોકડ રૂપિયા ચોરી કરી હતી.

આ ઘટના બાદ પરિવારે લૂંટારુઓની ગાડીનો  બે થી ત્રણ કિલોમીટર સુધી પીછો કર્યો હતો અને આ દરમિયાન અનેકવખત પોલીસની મદદ માટે હેલ્પલાઇન નંબર પર ફોન કર્યો હતો. પરંતુ વહેલી સવારે ઘોરતી પોલીસની કોઇ મદદ મળી શકી  ન હોવાનું પીડીત પરિવાર જણાવી રહ્યો છે.ગોધરાની તિર્થવીલા સોસાયટી ખાતે રહેતા અને શિક્ષક તરીકે ફરજ બજાવતા અર્પિતભાઇ મહેશકુમાર શાહ પત્ની અર્ચનાબેન અને બે બાળકો સાથે પોતાની સાસરી અમદાવાદ ખાતે ઉનાળુ વેકેશન માણવા ગયા હતા. જેઓ અમદાવાદના હાટકેશ્વર ખાતેથી વહેલી સવારે ગોધરા પરત જવા પોતાની ગાડી લઇને નીકળ્યા હતા. તેઓ સવારે સાતેક વાગ્યાના સુમારે મહુધા ડાકોર રોડ પર નાની ખડોલથી બલોલ વચ્ચેના રસ્તા પરથી પસાર થઇ રહ્યા હતા. તે સમયે અચાનક પાછળથી એક ગાડી આવી હતી અને તેમની ગાડીની આગળ ઉભી રહી ગઇ હતી. જેમાંથી અજાણ્યા ચોર ઇસમો બહાર આવીને અર્પિતભાઇ અને અર્ચનાબેન સાથે ઝપાઝપી કરી હતી અને અર્ચનાબેનના ગળામાં પહેરેલ સોનાનું મંગળસૂત્ર ખેંચી લીધું હતું. ત્યારબાદ આ દંપતિ પાસેથી અંદાજે ૧૫ થી ૨૦ હજાર જેટલી રોકડ રકમ ખંખેરીને લૂંટારુઓ ગાડીમાં બેસીને ફરાર થઇ ગયા હતા.

(5:52 pm IST)