Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

બનાસકાંઠાની પાણીની સમસ્‍યાનો નિકાલ થયોઃ વડાપ્રધાનના આહવાનને સમર્થન આપતા બનાસ ડેરીએ તળાવો બનાવવાનું શરૂ કર્યુ

બનાસ ડેરીએ લોકભાગીદારી અને સરકારના સહયોગથી જિલ્લામાં 111 અમૃત તળાવો બનાવવાની શરૂઆત કરકીઃ કેટલાક તળાવોને જીવનદાન મળ્‍યુ તો કેટલાક નવા તળાવો બન્‍યા

બનાસકાંઠાઃ બનાસકાંઠામાં ગરમી આવતા જ પાણીની અછત સર્જાઇ છે. જેને પહોંચી વળવા વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી દ્વારા બનાસકાંઠાના રહેવાસીઓને અમૃત તળાવો બનાવવા આહવાન કર્યુ હતું. જેનું સમર્થન આપતા બનાસ ડેરીએ લોકભાગીદારી અને સરકારની મદદથી જિલ્લામાં 111 અમૃત તળાવો બનાવવાની શરૂઆત કરી હતી. જેમાં કેટલાક સુકા તળાવોને જીવનદાન મળ્‍યુ હતુ, તો કેટલાક નવા તળાવો ખોદવામાં આવ્‍યા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બનાસકાંઠામાં બનાસડેરીના લોકાર્પણ વખતે જિલ્લામાં 75 અમૃત તળાવો બનાવીને તેમાં વરસાદી પાણી સંગ્રહ કરવાનું જિલ્લા વાસીઓને આહવાન કર્યું હતું. જેને લઈને બનાસડેરીએ લોકભાગીદારી અને સરકારના સહયોગથી જિલ્લામાં 111 અમૃત તળાવો બનાવવાની શરૂઆત કરી છે. જેને લઈને આજે દાંતીવાડા તાલુકાના ઓઢવા અને રાણોલ ગામે જિલ્લાના સૌથી મોટા તળાવ બનાવવાની શરૂઆત કરાઈ હતી. જેમાં ગામલોકો સાથે બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીએ પણ તળાવમાં પહોંચીને તળાવ બનાવવાના કામમાં શ્રમદાન કર્યું હતું અને જિલ્લાને હરિયાળો અને પાણીદાર બનાવવાના કામમાં લોકોને સહભાગી થવા અપીલ કરી હતી.

રણની કાંધીએ આવેલો બનાસકાંઠા જિલ્લો હંમેશા પાણીની સમસ્યાથી ઝઝૂમતો આવ્યો છે. જોકે હવે જિલ્લાના અનેક વિસ્તારોમાં ભૂગર્ભ જળના તળ ખુબજ ઊંડા જતા રહેતા ખેડૂતોને સિંચાઇનું પાણી મળતું નથી. ત્યાં પીવાના પાણીની પણ સમસ્યા ઉદભવી છે. જેને લઈને બનાસકાંઠા જિલ્લામાં પાણીની વિકટ સમસ્યા ઉભી થઇ છે. તે જોતા બનાસડેરીના લોકાર્પણ વખતે દિયોદર આવેલા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જિલ્લાવાસીઓને આઝાદીના 75માં મહોત્સવ નિમિતે જિલ્લામાં 75 અમૃત તળાવો બનાવીને તેને વરસાદી પાણીથી ભરી દેવા આહવાન કર્યું હતું.

એશિયાની સૌથી મોટી બનાસડેરીએ પ્રધાનમંત્રીના આ આહવાનને ઉપાડી લીધું છે અને જિલ્લામાં 111 અમૃત તળાવો લોકભાગીદારી અને સરકારના સહયોગથી બનાવવાનું કાર્ય શરૂ કરી દીધું છે. જેમાં પાલનપુરના-10, દાંતાના -4 ,અમીરગઢના -6 ,વડગામના-6, દાંતીવાડાના -23, ડીસાના -9, ધાનેરાના-13, દિયોદરના -15, કાંકરેજના -15, થરાદના -5 અને વાવના- 5 ગામડાઓમાં અમૃત તળાવ બનાવવાનું કાર્ય શરૂ કરી દીધું છે.

જેની અંદર અનેક ગામોમાં જુના તળાવોને ખોદવામાં આવી રહ્યા છે તો અનેક નવા તળાવો બનાવવામાં આવી રહ્યા છે જેને લઈને દાંતીવાડા તાલુકાના ઓઢવા અને રાણોલ ગામે આજે જિલ્લાના સૌથી મોટા તળાવો ખોદવાની શરૂઆત કરાઈ હતી. જ્યાં બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરી પણ પહોંચ્યા હતા અને તેમને તળાવ ખોદવાના કાર્યમાં શ્રમદાન કર્યું હતું. જિલ્લાના લોકોને જળસંચયના આ ભગીરથ કામમાં મોટી સંખ્યામાં જોડાવવાની અપીલ કરી હતી અને કહ્યું હતું કે બનાસડેરી દ્વારા જળસંચયના કામોની સાથે સાથે જિલ્લાને હરિયાળો બનાવવા માટે લાખો વૃક્ષોનું વાવેતર કરાઈ રહ્યું છે. તો જંગલ અને પહાડી વિસ્તારોમાં વધુ વૃક્ષો ઉગે અને તે વરસાદ લાવવામાં મદદરુપ થાય તે માટે 20 લાખ જેટલા સિડ્સબોલ બનાવવામાં આવ્યા છે. જે જંગલ અને પહાડોમાં નાખવામાં આવશે જે ચોમાસમાં વરસાદ આવતા જ અંકુરિત થશે અને ત્યાં વૃક્ષનું વાવેતર થશે જિલ્લામાં જળ સંચય થકી વહી જતું પાણી ગામના તળાવોમાં જ રહેશે. જેનાથી જમીનમાં પાણીના તળ ઊંચા આવશે અને વધુ વૃક્ષારોપણ દ્વારા જિલ્લો હરિયાળો બનશે તો જિલ્લામાં પાણીનું સંકટ ખુબજ ઓછું થઈ જશે.

(5:39 pm IST)