Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

અમદાવાદના રાયપુર ચાર રસ્‍તા પાસે રમુજ સાથે ફરજ બજાવતા હોમગાર્ડ જવાનનો વીડિયો વાયરલ

15 વર્ષથી હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા પિંકેશ જૈન રાહદારીઓનું ધ્‍યાન આકર્ષિત કરી ટ્રાફિક નિયમોનું પાલન કરાવે છે

અમદાવાદઃ અમદાવાદના રાયપુર ચાર રસ્‍તા પર ફરજ બજાવતા હોમગાર્ડ જવાન રમુજ સાથે લોકોનું ધ્‍યાન આકર્ષિત કરાવી યોગ્‍ય રીતે ટ્રાફિકનું નિયમન કરાવતો વીડિયો સોશ્‍યલ મીડિયામાં વાયરલ થતા લોકો તેમની આ કામગીરીને બિરદાવે છે. પિંકેશ જૈન છેલ્લા 15 વર્ષથી હોમગાર્ડમાં નિષ્‍ઠાપૂર્વક ફરજ બજાવે છે.

ક્યારેક ટ્રાફિક સર્કલ પર ફરજ બજાવતા જવાનોની હરકતો રોડ પરથી પસાર થતા વાહનચાલકોને ચોંકાવી દે છે. ટ્રાફિકનું નિયમન કરવાની સાથે સાથે તેઓ એવુ કંઈક કરે છે જેનાથી કંટાળેલા વાહનચાલકો ખુશ થઈ જાય છે. ત્યારે અમદાવાદમાં આવો નજારો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં રાયપુર ચાર રસ્તા પાસે ફરજ બજાવતા હોમગાર્ડ જવાનનો વીડિયો વાયરલ થયો છે.

ટ્રાફિકથી અતિ વ્યસ્ત રાયપુર ચાર રસ્તા પર એક મહિનાથી ફરજ બજાવતા હોમગાર્ડ જવાન ચર્ચામાં આવ્યા છે. તેઓ યોગ્ય રીતે ટ્રાફિકનું નિયમન કરાવે છે, પરંતુ તેમની હરકતો ચોંકાવનારી છે. તેમનુ નામ છે પિંકેશ જૈન. તેઓ છેલ્લા 15 વર્ષથી હોમગાર્ડ જવાન તરીકે ફરજ બજાવે છે. તેઓ વાહન ચાલકોનું ધ્યાન આકર્ષિત કરી ટ્રાફિક નિયમોનું પાલન કરાવે છે.

 હોમગાર્ડ જવાન પિંકેજ જૈન રમૂજ સાથે નોકરીને માણી આનંદ કરી રહ્યા હોય તેવુ દેખાય છે. તેઓ ટ્રાફિક સિગ્નલ પર કંઈક અલગ કરીને લોકોનું ધ્યાન ખેંચીને ટ્રાફિકના નિયમો પ્રતિ લોકોને જાગૃત કરે છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ હૈદરાબાદના પોલીસકર્મીની પણ ટ્રાફિકની કામગીરી લોકોએ બિરદાવતો વીડિયો વાયરલ થયો હતો.

(5:16 pm IST)