Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

વડોદરાના સુરસાગર તળાવમાં ઓક્‍સિજનના અભાવે 5000 માછલીઓના મોતઃ મૃતદેહોના 55 કોથળા ભરાયા

ઇજારો પુરો થતા 20 દિવસ ઓક્‍સિજન ન અપાયુઃ માછલીઓના મોત પાછળ કોર્પોરેશન જવાબદાર હોવાનો સામાજીક કાર્યકરનો આક્ષેપ

વડોદરાઃ વડોદરાના પ્રખ્‍યાત સુરસાગર તળાવમાં ઇજારો પુરો થતા 20 દિવસ સુધી ઓક્‍સિજન ન અપાતા 500 માછલીઓ ટળવળી મોતને ભેટી હતી. સફાઇ દરમિયાન 55 કોથળા મૃતદેહોના ભરાયા હતા. માછલીઓના મોત પાછળ મહાનગરપાલિકા જવાબદાર હોવાનો ઘટસ્‍ફોટ થયો છે.

વડોદરાના ફેમસ સુરસાગર તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના મોત થયા છે. જેના માટે કોર્પોરેશન જવાબદાર હોવાનું ખૂલ્યુ છે. કોર્પોરેશનના પાપે સુરસાગર તળાવમાં એકસાથે 5000 માછલાના મોત થયા છે. ઓક્સિજન ઘટી જતા એકસાથે 5000 માછલા મોતને ભેટ્યા હતા.

માછલીઓના મોત પાછળ કોર્પોરેશન જવાબદાર હોવાનો ઘટસ્ફોટ થયો છે. સુરસાગર તળાવમાં એરેશનનો ઈજારો પૂરો થયો હતો. જેના બાદ 20 દિવસથી ઓક્સિજન અપાયો ન હતો. ઓક્સિજનના અભાવે માછલાઓ ટળવળીને મોતને ભેટ્યા હતા. તળાવમાં ડીઝોલ્વ ઓક્સિજનનું પ્રમાણ 8 ppm હોવું જોઈએ, તેને બદલે 4.1 ppm કરતાં પણ નીચે જતું રહ્યું હતું. ઓક્સિજનની માત્રા ઘટી જતાં 5000 માછલીઓના મોત થયા હતા.

સુરસાગર તળાવમાં એટલા બધા માછલાના મોત થયા, કે તળાવમાંથી દુર્ગંધ આવવા લાગી હતી. સ્થાનિકો દ્વારા આ મામલે ફરિયાદ કરાઈ હતી. જેના બાદ આજે 55 કોથળા ભરીને મરેલી માછલીઓ બહાર કઢાઈ હતી. અરેરાટી થઈ જાય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

5000 માછલાઓા મોત બાદ હવે તંત્ર મોડેમોડે જાગ્યુ છે. કોપોરેશનનું તંત્ર આજે સુરસાગર તળાવમાંથી પાણીના સેમ્પલ લેવાની કામગીરી કરશે. મેયર કેયુર રોકડીયાએ આ મામલે કહ્યુ કે, માછલીઓના મોતની માહિતી મળી છે. તપાસના આદેશ આપવામાં આવ્યા, ફરીથી તળાવમાં ફુવારા ચાલુ કરી કોન્ટ્રાકટ રિન્યુ કરીશું.

તો બીજી તરફ, સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ માછલીઓના મોત મામલે પાલિકાના શાસકો, અધિકારીઓ જવાબદાર હોવાનુ જાણાવ્યુ. તેઓએ અધિકારીઓ સામે કડક પગલાં લેવા જોઈએ તેવી માંગ કરી.

(5:03 pm IST)