Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

SGVP ગુરુકુલ યુ.એસ.એ. શ્રીસ્વામિનારાયણ સનાતન મંદિર

સવાનાહમાં ભોજલરામ જયંતિ

યુ.એસ.એ. તા. ૨૬ SGVP ગુરુકુલ યુ.એસ.એ. શ્રીસ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહમાં બિરાજીત સૌરાષ્ટ્રના મહાન સંતવિભૂતિઓમાના એક સંત શ્રીભોજલરામબાપાની જન્મજયંતિ ભવ્ય રીતે ઉજવાય હતી.

        આ પ્રસંગે સનાતન મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે SGVP ભક્તિમહિલા મંડળે વિશેષ ભજન કીર્તન કર્યા હતાં. ઉત્સવના મુખ્ય યજમાન ગીરીશભાઈ પટેલ, સહયજમાનો તથા પૂજ્ય દર્શનપ્રિયદાસજી સ્વામી અને પૂજ્ય નિરંજનદાસજી સ્વામીએ ભોજલરામબાપાનું વિશેષ પૂજન કર્યું હતું. આ પ્રસંગે પૂજ્ય દર્શનપ્રિયદાસજી સ્વામીએ ભોજલરામબાપાના પ્રચલિત ચાબખાઓના ગાન સાથે પ્રેરણાત્મક પ્રવચન આપ્યું હતું.   

        SGVP ગુરુકુલના અધ્યક્ષ પ. પૂ. સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રીમાધવપ્રિયદાસજી સ્વામીએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી મંગલ આશીર્વચન આપતા જણાવ્યું હતું કે ભારતની ભૂમિ સંતો, સતીઓ તથા ભગવંતોની ભૂમિ રહી છે. ભોજલરામબાપા એક મહાન સંત હતાં. તેમણે સૌરાષ્ટ્રમાં ભક્તિની ધુણી ધખાવી હતી અને જલારામબાપા તથા વાલમરામબાપા જેવા મહાન સંતોની સમાજને ભેટ આપી હતી. સંસારમાં માત્ર પૈસા કમાવવા જ પૂરતુ નથી, પરંતુ સાચા સંત સાથે જીવ જોડવો એ પણ એટલું જ અગત્યનું છે. જ્યારે જીવ ભગવાનને મુકીને વિષયભોગમાં ખોવાઈ જાય છે ત્યારે ભોજલરામબાપા જેવા સંતો ચાબખા મારી જીવને જગાડે છે. માટે સંપત્તિની સાથે સાથે સત્સંગને પણ પૂરતો ન્યાય આપશો તો સુખી થવાશે.

        આ પ્રસંગને ધ્યાનમાં રાખી SGVP સનાતન મંદિર તરફથી સંતોએ જાતે મહાપ્રસાદ તૈયાર કરી ૧૦૮ થી ઉપરાંત નિરાધાર લોકોને પ્રસાદ પહોચાડ્યો હતો.

(12:13 pm IST)