Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

અમદાવાદમાં કોરોનાનો વધતો કહેર : નવા 71 કેસ નોંધાયા : હોસ્પિટલો કોવિડ દર્દીઓથી ઉંભરાઈ

જોધપુર, નારણપુરા, નવરંગપુરા, થલતેજ અને ગોતાના રહેણાંક વિસ્તારોને કન્ટેનમેન્ટ ઝોનમાં મૂક્યા

અમદાવાદ: શહેરમાં મ્યુન્સિપલ કોર્પોરેશનની ચૂંટણી પત્યા બાદ ફરીથી કોરોના માથું ઉચકી રહ્યો છે.છેલ્લા 24 કલાકમાં નવા 71 કેસ પોઝિટિવ મળી આવ્યા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ એક દર્દીએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે, 81 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે.

 શહેરના નદીપારના વિસ્તારોમાં સતત વધી રહેલા કોરોનાના પોઝિટિવ કેસોના પગલે વહીવટી તંત્ર પણ સફાળું જાગ્યું છે. શહેરના પશ્ચિમ- ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ સહિતના ઝોનમાં રાત્રી ખાણીપીણીના બજારોમાં સઘન તપાસ શરૂ કરી છે

શહેરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધવાની સાથે જ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા પણ વધી છે. અમદાવાદમાં નવા 71 કેસ સામે આવતા જ કોર્પોરેશને વધુ 5 વિસ્તારોને કન્ટેનમેન્ટમાં મૂક્યા છે. જેમાં જોધપુર, નારણપુરા, નવરંગપુરા, થલતેજ અને ગોતાના રહેણાંક વિસ્તારોને કન્ટેનમેન્ટ ઝોનમાં મૂક્યા છે. આમ શહેરમાં અત્યાર સુધી કુલ 16 વિસ્તારોને કન્ટેનમેન્ટમાં મૂકવામાં આવ્યા છે.

 બીજી તરફ છેલ્લા થોડા દિવસોમાં કોરોનાના કેસ વધવાની સાથે જ શહેરોની હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ઉભરાઈ રહી છે. આથી કોરોના દર્દીઓની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને સિવિલમાં 120 બેડની ઓક્સિજન સુવિધા સાથે હવે વધુ 300 બેડનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે શહેરની SVP હોસ્પિટલનો કોરોના વોર્ડ પર કોવિડ પેશન્ટોથી ભરાઈ ગયો હોવાની માહિતી મળી રહી છે.

 રાજ્યમાં ગત એક દિવસમાં 424 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 2,68,571 પર પહોંચી ગઈ છે. જ્યારે જીવલેણ વાઈરસ અત્યાર સુધીમાં 4408 લોકોને ભરખી ચૂક્યો છે. ગુજરાતમાં એક દિવસમાં નવા નોંધાયેલા કેસોમાં સૌથી વધુ વડોદરા જિલ્લાના છે. જ્યારે સુરત જિલ્લામાં 87 અને રાજકોટમાં 63 નવા દર્દીઓ સામે આવ્યા છે.

(3:02 pm IST)