Gujarati News

Gujarati News

News of Thursday, 26th January 2023

અમદાવાદના શહેર કોટડા વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારો ; 32 આરોપીઓ સામે નામજોગ ફરિયાદ:28 લોકોની ધરપકડ

બે જૂથ વચ્ચે અથડામણ થતા પોલીસનો કાફલો ત્યાં પહોંચ્યો હતો:પોલીસે ટોળાને વિખેરવાનો પ્રયત્ન કરતાં કેટલાક અસામાજિક તત્વોએ પોલીસ પર જ પત્થર મારો કર્યો હતો

અમદાવાદ :ગઈકાલે શહેરકોટડા વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ થતા પોલીસનો કાફલો ત્યાં પહોંચ્યો હતો. પોલીસે ટોળાને વિખેરવાનો પ્રયત્ન કરતાં કેટલાક અસામાજિક તત્વોએ પોલીસ પર જ પત્થર મારો કર્યો હતો. જેમાં બે પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયાં હતાં. આ ઘટનામાં પોલીસે 32 આરોપીઓ સામે નામજોગ ફરિયાદ નોંધીને 28 લોકોની ધરપકડ કરી છે. 

પ્રાપ્ત વિગતો પ્રમાણે ગઈકાલે શહેરકોટડા વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. પોલીસ કંટ્રોલ રૂમના આધારે માહિતી મળતાં જ પોલીસની વાન ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ દરમિયાન પોલીસે ત્યાં પહોંચીને ભેગા થયેલા ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કેટલાક અસામાજિક તત્વોએ પોલીસની ટીમ પર પત્થર મારો કર્યો હતો. આ પત્થરમારામાં બે પોલીસ જવાનો ઈજાગ્રસ્ત થયાં હતાં. તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

આ મામલે પોલીસે પથ્થરમારો કરનાર 32 આરોપી સામે નામજોગ ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે 150થી વધુના ટોળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. જેમાંથી પોલીસે આખી રાત કાર્યવાહી કરીને 28 લોકોની ધરપકડ કરી છે. આ પથ્થરમારાની ઘટનામાં કોણ-કોણ સામેલ હતા અને ક્યાં કારણોસર આ જૂથ અથડામણ સર્જાઈ હતી તે અંગે હાલ પોલીસ દ્વારા 28 લોકોની પૂછપરછ ચાલી રહી છે

(11:55 pm IST)