Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

દુષ્કર્મ કેસમાં પાસા ન કરવા અંગે PSI શ્વેતા જાડેજા પર 35 લાખની લાંચ લેવાના કેસમાં આંગડીયા મારફતે લાંચ લેનાર શ્વેતા જાડેજાના બનેવી દેવેન્દ્ર નાથાભાઇ ઓડેદરા કોર્ટ દ્વારા ફરાર જાહેર

ગાંધીનગર: દુષ્કર્મ કેસમાં પાસા કરવા અંગે PSI શ્વેતા જાડેજા પર 35 લાખની લાંચ લેવાનો આરોપ છે, ત્યારે કેસમાં આંગડીયા મારફતે લાંચ લેનાર શ્વેતાના બનેવી દેવેન્દ્ર નાથાભાઇ ઓડેદરાને ફરાર જાહેર કરવા SOG અરજી કરી હતી. અરજી સ્પેશ્યલ ACB કોર્ટે ગ્રાહ્ય રાખી આરોપી દેવેન્દ્રને ફરાર જાહેર કર્યો છે.

35 લાખના લાંચ પ્રકરણમાં SOG આરોપી શ્વેતા જાડેજાના બનેવી દેવેન્દ્ર ઓડેદરાને ફરાર જાહેર કરવા કોર્ટમાં અરજી કરી હતી. જેમાં મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે એવી દલીલ કરી હતી કે, આરોપીને ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં આંગડિયા પેઢી મારફતે 30 લાખનું આંગડિયુ કરવામાં આવ્યું હતું. જે પૈસા દેવેન્દ્રએ સ્વીકાર્યા હતા.

ઉપરાંત અન્ય લાંચની રકમ પણ PSI બનેવી દેવેન્દ્રને મોકલી હતી. તે પૈસા પણ તેને સ્વીકાર્યા હોવાના પુરાવા છે, જો કે દેવેન્દ્રની જુદી જુદી જગ્યાએ શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ તે મળી આવ્યો હતો.

આથી આરોપી સામે CRPCની કલમ 70 મુજબનું વોરંટ મેળવ્યું હતું અને રાજ્યના જુદા જુદા પોલીસ મથકોને અંગે જાણ કરાઇ હતી, પરંતુ તે મળ્યો નથી. આથી આરોપીને CRPCની કલમ 82 મુજબ ફરાર જાહેર કરવો જોઇએ. આવી રજૂઆત કોર્ટે ગ્રાહ્ય રાખી દેવેન્દ્ ઓડેદરાને ફરાર જાહેર કર્યો છે. હવે દેવેન્દ્ર નહીં મળે તો તેની મિલકત જપ્તી અંગે કોર્ટમાં SOG કાર્યવાહી કરે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે, લાંચ કેસમાં લાંચની રકમ કેસ પુરવાર કરવામાં મહત્ત્વની હોય છે, ત્યારે 35 લાખના લાંચ કેસમાં  SOG હજુ સુધી લાંચની એક રૂપિયાની રકમ પણ રિકવર કરી શકી નથી.

(11:04 am IST)