Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

નારાયણ સાંઈના 3 દિવસના વચગાળા જામીન ગુજરાત હાઇકોર્ટે મંજુર કર્યા : આશ્રમની મુલાકાત લઇ શકશે નહીં

નારાયણ સાંઈના 77 વર્ષીય માતાની હોસ્પિટલમાં હાર્ટની સર્જરી હોવાથી આરોપીને 3 દિવસના વચગાળા જામીન અપાયા

અમદાવાદ : સુરતની મહિલા સાથે દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા આરોપી નારાયણ સાઈના ગુજરાત હાઈકોર્ટ દ્વારા 31મી જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી 2021 સુધીના ત્રણ દિવસના વચગાળાના જામીન મંજુર કરાયા  છે

નારાયણ સાંઈના 77 વર્ષીય માતાના 1લી ફેબ્રુઆરીના રોજ હોસ્પિટલમાં હાર્ટની સર્જરી હોવાથી આરોપીને 3 દિવસના વચગાળા જામીન ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટે નિર્દેશ કર્યો છે કે વચગાળાના જામીન સમયે આરોપી અમદાવાદ કે સુરતમાં આવેલા તેમના આશ્રમની મુલાકાત લઈ શકશે નહિ. વચગાળાના જામીન દરમીયાન આરોપી ફક્ત જે હોસ્પિટલમાં તેમની માતા સારવાર લઈ રહ્યાં છે તેની જ મુલાકાત લઈ શકશે. ત્રણ દિવાના જામીન દરમીયાન આરોપી સાથે પોલીસ કર્મચારીઓ હાજર રહેશે, જેનો ખર્ચ પણ અરજદાર દ્વારા ભોગવાનો રહેશે

આ સિવાય ગુજરાત હાઈકોર્ટે 10,000 રૂપિયા પર્સનલ બોન્ડ જેલ સત્તાધીશો સમક્ષ જમા કરાવવાનો આદેશ કર્યો હતો

અગાઉ પણ નારાયણ સાંઈએ હાઈકોર્ટમાં દાખલ કરેલી ફર્લો અરજીમાં રજુઆત કરી હતી કે તેમની માતાની તબિયત ખરાબ છે અને અગાઉ આવેલા હાર્ટ એટેકને લીધે હૃદય માત્ર 40 ટકા જ કામ કરે છે. નારાયણ સાંઈએ માતા-પિતાને મળવા માટે 10 દિવસની વચગાળા જામીન અરજી કરી હતી. જે હાલ હાઈકોર્ટ સમક્ષ પેન્ડિંગ છે.

સગીર વયની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં રાજસ્થાન હાઈકોર્ટે નારાયણ સાંઈના પિતા આશારામ બાપુને આજીવન કેદની સજા ફટકારી હતી અને હાલ જોધપુર જેલમાં સજા હેઠળ છે. જ્યારે અન્ય એક કેસ ગાંધીનગર કોર્ટમાં પેન્ડિંગ છે.

સુરતની મહિલા સાથે દુસકર્મ કેસમાં સુરત સેશન્સ કોર્ટે નારાયણ સાઈને આજીવન કેદની સજા ફટકારી હતી. આ કેસની અપીલ અરજી હાલ ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. સુરતની મહિલાએ નારાયણ સાઈ પર આક્ષેપ કર્યો હતો કે 2002 થી 2005 દરમિયાન સુરત આશ્રમમાં હતી ત્યારે તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું

(11:54 pm IST)