Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

વીકેન્ડ કરફ્યૂ લગાવવાની વાત માત્ર અફવા: આવો કોઈ નિર્ણય લેવાયો નથી : નીતિનભાઈ પટેલની સાફ વાત

ગરીબ અને મધ્યમ વર્ગનું પણ સરકારે ધ્યાન રાખવાનું હોય છે, સોશિયલ મીડિયા પર ચાલતી અફવાઓ પર ધ્યાન ના આપો

અમદાવાદ : રાજ્યમાં કોરોના કહેરને લઈને વીકેન્ડ કરફ્યૂ લગાવવાની વાત માત્ર અફવા હોવાનું નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ  પટેલે જણાવ્યુ છે. નીતિનભાઈ પટેલે કહ્યુ કે, વીકએન્ડમાં ફુલ કરફ્યૂનો હાલ કોઇ નિર્ણય નથી થયો, કોઇ અફવામાં ના આવો.

નીતિનભાઈ  પટેલે કહ્યુ કે, અમદાવાદ, વડોદરા,સુરત અને રાજકોટમાં વીકએન્ડ કરફ્યૂ નહી લાગે. જરૂરીયાત પ્રમાણે નિર્ણય લેવાશે. નીતિનભાઈ પટેલે કહ્યુ કે, નાના લોકોના ધંધાનું પણ વિચારવાનું હોય છે માટે આવી કોઇ અફવામાં તમારે ના આવવુ જોઇએ. નીતિનભાઈ પટેલે કહ્યુ કે ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યૂ ચાલુ રહેશે. તમિલનાડુ-દિલ્હી કરતા સ્થિતિ સારી છે. બીજા રાજ્યો કરતા ગુજરાતની સ્થિતિ સારી છે.

નીતિનભાઈ પટેલે કહ્યુ કે, ગરીબ અને મધ્યમ વર્ગનું પણ સરકારે ધ્યાન રાખવાનું હોય છે, સોશિયલ મીડિયા પર ચાલતી અફવાઓ પર ધ્યાન ના આપો. નીતિનભાઈ પટેલે મહારાષ્ટ્ર જતા યાત્રીઓને કોરોના ટેસ્ટ કરાવવાનું કહ્યુ છે. સાથે જ કહ્યુ કે તમિલનાડુ અને દિલ્હી જેવા બીજા રાજ્યોની તુલનામાં ગુજરાતની સ્થિતિ ઘણી સારી છે. ગુજરાતમાં એક્ટિવ કેસ 3.6 ટકા છે અને અન્ય રાજ્ય કરતા ગુજરાતમાં એક્ટિવ કેસ ઓછા છે. ગુજરાતમાં 13,600 એક્ટિવ કેસ છે. સાથે જ માસ્ક પહેર્યા વગર બહાર ના નીકળવાની સલાહ પણ નીતિન પટેલે આપી હતી.

નીતિનભાઈ  પટેલે વેક્સીનને લઇને કહ્યુ કે, વેક્સિન માટે રોજ 20 જેટલા સ્વયંસેવકોને બોલાવવામાં આવશે. દિવસમાં બે વખત વેક્સિન ડોઝ આપવામાં આવશે. જાતજાતની અફવાઓ નુકસાનકારક છે. વિશ્વભરમાં વેક્સિનના ટ્રાયલ ચાલી રહ્યા છે. વેક્સિન ગમે તે દેશમાં બને પરંતુ ઉત્પાદનની વ્યવસ્થા ફક્ત ભારત પાસે જ છે.

(6:45 pm IST)