Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

કપડવંજમાં માથાભારે શખ્સે કાપડની દુકાનમાં ઘુસી જબરદસ્તીથી 10 લાખની માંગણી કરી દંપતીને માર મારતા ગુનો દાખલ

કપડવંજ: તાલુકાના એક માથાભારે ઈસમે શહેરના કાપડના વેપારીની દુકાનમાં ઘુસી જઈને દશ લાખ રૂપિયાની માંગણી કરી હતી. જો કે વેપારીએ પોતાની પાસે રૂપિયા ના હોવાનું જણાવતાં માથાભારે શખ્સે ઉશ્કેરાઈ જઈ લોખંડની પાઈપ વડે વેપારીને માર મારવા લાગ્યો હતો. તે વખતે ઝઘડામાં છોડાવવા વચ્ચે પડેલા વેપારીની પત્નીને પણ લોખંડની પાઈપ ફટકારી ઈજા પહોંચાડી હતી. અને જો દશ દિવસમાં દશ લાખ રૂપિયા નહીં આપે તો વેપારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી માથાભારે શખ્સ ત્યાંથી ભાગી ગયો હતો. તે વખતે કપડવંજના તાલીબનગર વિસ્તારમાં રહેતો સાહબાજખાન યુસુફખાન પઠાણ કાર નં. જીજે-૧૭, એએચ-૭૦૬૧ લઈ શાહીદ શેખની દુકાન પાસે આવ્યો હતો. અને ગાડીમાંથી લોખંડની પાઈપ સાથે બહાર નીકળી સીધો શાહિદ શેખની દુકાનમાં ઘુસી ગયો હતો અને મારે રૂપિયાની જરૂર હોઈ દશ દિવસમાં દશ લાખ રૂપિયા આપવા શાહિદ શેખને જણાવ્યું હતું. જે તે વખતે શાહિદ શેખે મારી પાસે શેના દશ લાખ રૂપિયા માંગો છો, મારી પાસે રૂપિયા નથી તેમ કહેતાં સાહબાજખાન ગમેતેમ અપશબ્દો બોલવા લાગ્યો હતો. બંને વચ્ચે ઝઘડો ઉગ્ર બની જતાં ઉશ્કેરાયેલા સાહબાજખાને હાથમાંના ડંડા વડે શાહિદ શેખ ઉપર હુમલો કર્યો હતો. પગ તેમજ કપાળના ભાગે લોખંડનો ડંડો વાગવાથી શાહિદ શેખ લોહીલુહાણ બન્યો હતો. ત્યારે શાહિદની પત્ની અંજુમબેન ઝઘડામાં છોડાવવા વચ્ચે પડતાં સાહબાજખાને તેઓને પણ લોખંડની પાઈપ ફટકારી ઈજા પહોંચાડી હતી. જે બાદ શાહિદ શેખે હિંમત દાખવી સાહબાજખાનના હાથમાંની લોખંડની પાઈપ પકડી લીધી હતી. ત્યારે સાહબાજખાને હુમલો કરવા માટે ખિસ્સામાંથી ચપ્પું કાઢ્યું હતું. જે જોઈ ગભરાયેલા શાહિદ શેખ અને તેની પત્ની અંજુમબેને બૂમાબૂમ કરી મૂકતાં આસપાસના દુકાનદારો આવી ચડ્યાં હતાં. લોકોનું ટોળુ એકઠું થયેલું જોઈ સાહબાજખાન ત્યાંથી ગાડી લઈ ભાગી ગયો હતો. આ બનાવ અંગે શાહિદ મહંમદહનીફભાઈ શેખની ફરિયાદને આધારે કપડવંજ ટાઉન પોલીસે હુમલાખોર સાહબાજખાન યુસુફખાન પઠાણ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:36 pm IST)