Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

મહેસાણા તાલુકાના લીંચ ગામે પ્રેમલગ્ન કરનાર યુવતીએ છૂટાછેડા આપવાની ના કહેતા પિતાએ પેટમાં ચપ્પુ મારતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

મહેસાણા: તાલુકાના લીંચ ગામમાં પ્રેમલગ્ન કરનાર યુવતી છુટાછેડા લેવાનો આગ્રહને વશ નહીં થતાં તેણીના પિતાએ પેટમાં છરી હુલાવી દેતાં ગંભીરરીતે ઇજાઓ થઇ હતી. લોહીલુહાણ હાલતમાં તેને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ ઘટના અંગે લાંધણજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પોલીસે ચાર વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લીંચ ગામના હરચંદજી હેમાજી ઠાકોરની દિકરીના લગ્ન પાંચોટ ગામે સાતેક વર્ષ અગાઉ થયા હતા. આ દાંપ્ત્યજીવનથી બે સંતાનની માતા બન્યા હતા. જોકે પતિ સામે મેળ નહીં આવતા ચાર માસ પહેલા છુટાછેડા લીધા હતા. દરમિયાન તેમની દિકરીને લીંચ ગામના જ રમેશ દેવાજી ઠાકોર સાથે પ્રેમસબંધ હોવાથી બન્નેએ મહેસાણા ખાતે બે માસ અગાઉ લગ્ન કર્યા હતા અને તેની નોંધણી નગરપાલિકામાં કરાવી હતી. ત્યારબાદ, દંપતી ગત તા.૧૮/૧૧/૨૦૨૦ના રોજ લીંચથી જતા રહ્યા હતા. લગ્નથી નારાજ યુવતીના પિતા અને ભાઇઓને જાણ થઇ હતી કે બન્ને જણાં સુક્રોની કોટેજમાં રહે છે. જેથી ત્યાં પહોંચી બન્ને પરત લીંચ ગામમાં લાવ્યા હતા. બીજા દિવસે સમાધાન માટે બન્નેના પરિવારજનો અને આગેવાનો ભેગા થયા હતા. જ્યાં છુટાછેડા લેવા કરાર ઉપર સહિ કરવા યુવતીને તેના પિતાએ આગ્રહ કર્યો હતો. પરંતુ તેણીએ ના પાડતાં તેના ભાઇઓએ ગડદાપાટ્ટુનો માર માર્યો હતો. તેમજ પિતાએ પેટના ભાગે છરીઓ મારતા યુવતી લોહીલુહાણ થઇને નીચે ફસડાઇ પડી હતી. ઇજાગ્રસ્ત યુવતીને મહેસાણા ખાતે પ્રાથમિક સારવાર બાદ અમદાવાદ ખસેડવામાં આવી હતી.

(5:36 pm IST)