Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

અહેમદભાઈ પટેલના નિધનથી નાંદોદ ધારાસભ્ય ચોધાર આંસુએ રડ્યા : કહ્યું હવે મને પી.ડી કહીને કોણ બોલાવશે?

ગરીબ આદિવાસી પ્રજાની સાથે હું પણ એહમદ પટેલ વિના નોંધારો થઈ ગયો છું: પી.ડી.વસાવા

અમદાવાદ : કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા ખજાનચી એહમદ ભાઈ  પટેલનું કોરોનાની સારવાર દરમિયાન ગુરુગ્રામની વેદાંતા હોસ્પિટલમાં 25મીએ વહેલી સવારે નિધન થતા એમના સમર્થકોમાં શોકની લાગણી ફેલાઈ છે. વર્ષોથી એમની સાથે અડીખમ રહેલા નાંદોદના કોંગ્રેસ ધારાસભ્ય પી.ડી.વસાવા એહમદભાઈ પટેલના નિધનના સમાચારથી ચોધાર આંસુએ રડી પડ્યા હતા.એમણે કહ્યુ હતુ કે એહમદ પટેલ હમેશા ગરીબોના હમદર્દ રહ્યા હતા.એમણે પોતાનું જીવન ગરીબોની સેવા અને કોંગ્રેસ માટે સમર્પિત કર્યું હતું.

સ્વ.એહમદ પટેલના વર્ષો જૂના સાથી ધારાસભ્યં પી,.ડી.વસાવા અને એમના પરિવારના સભ્યોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. નાંદોદ ધારાસભ્ય પી.ડી.વસાવાએ ચોધાર આંસુએ રડતા જણાવ્યું હતું કે સ્વ.એહમદ પટેલ મારા માર્ગદર્શક અને રાજકીય ગુરુ હતા.એમના નિધનથી નર્મદા-ભરૂચ જિલ્લો શોકમાં ગરકાવ થયો છે

એહમદભાઈ પટેલ હમેશા ગરીબોના હમદર્દ રહ્યા છે, તેઓ ગરીબોની વ્હારે આવતા હતા એમના દરેક દુઃખદર્દમાં સહભાગી બનતા હતા.ગરીબ આદિવાસી પ્રજાની સાથે હું પણ એમના વિના નોંધારો થઈ ગયો છું.એમને ત્યાં કોઈ પણ સામાન્ય માનવી પોતાની રજૂઆતો લઈને રડતી આંખે જાય તો એ હસતો હસતો બહાર નીકળતો હતો.કોઈ પણ કામ લઈને જાવ પણ એમના મોઢા માંથી મેં “ના” શબ્દ કોઈ દિવસ સાંભળ્યો નથી.એમણે મારા જેવા હજારો લોકોને વિવિધ રાજકીય પદ આપ્યા હતા, તેઓ યુવાનોના માર્ગદર્શક હતા.રાત દિવસ ગરીબોની ચિંતા કરનારા જ હવે રહ્યા નથી તો હવે આ વિસ્તારના પ્રશ્નો અમે કોને રજૂ કરીશું એ ચિંતા હવે સતાવી રહી છે.કોંગ્રેસ જ્યારે પણ મુશ્કેલીમાં હોય ત્યારે એહમદ પટેલે પોતાની સુઝબૂઝ અને આવડતથી મુશ્કેલીઓ દૂર કરી છે.

પી.ડી.વસાવાએ રડતી આંખોએ વધુમાં જણાવ્યું હતું કે 1000 લોકોનું ટોળું હોય એમાંથી મને તેઓ “પી.ડી” એવા સ્નેહભર્યા શબ્દોથી મને બોલાવતા, હવે એમના મોઢે હું એવા પ્રેમભર્યા શબ્દો ક્યારે સાંભળીશ.તેઓ નર્મદા જિલ્લાના અંતરિયાળ એવા વાંદરી ગામને દત્તક લઈ વિકાસ કરી ગામને નંદનવન બનાવી જતા રહ્યા છે.વાંદરી ગામ લોકો પણ ખૂબ દુઃખી થયા છે, ગામ લોકોએ એહમદ પટેલને અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપી એક દિવસનો શોક પણ પાળ્યો છે

(2:35 pm IST)