Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

ડીસેમ્બર- જાન્યુઆરીમાં ઠંડીનો પારો ૧૦ ડીગ્રી નીચે પટકાશે

આગામી બે મહિના ઠંડીનો કાતિલ દોર આવી રહ્યો છે : હાલ લઘુતમ તાપમાન રાજયમાં ૧૦ થી ૧૫ ડીગ્રી વચ્ચે રહેશે, શનિવારથી બે- ત્રણ દિવસ ગગડશેઃ હવામાન ખાતુ

રાજકોટ,તા.૨૫: ઠંડીમાં વધઘટ જોવા મળી રહી છે. ફૂંકાતા ઠંડા પવનના કારણે વ્હેલી સવારે અને રાત્રીના સમયે ઠંડીનો વધુ અહેસાસ થઈ રહ્યો છે. હવામાન ખાતાએ જણાવ્યું છે કે હાલમાં લઘુતમ તાપમાન ૧૦ થી ૧૫ ડીગ્રી આસપાસ રહેશે. જયારે આગામી ડીસેમ્બર અને જાન્યુઆરીમાં ઠંડીનું ખૂબ જ જોર રહે તેવી શકયતા છે. આ સમયગાળામાં ઠંડીનો પારો ૧૦ ડીગ્રીની નીચે ઘૂમતો જોવા મળશે.

સૌરાષ્ટ્ર- ગુજરાતમાં કેટલાક સ્થળોએ ઠંડીનું જોર વધુ જોવા મળી રહ્યું છે. તો દરિયાઈ વિસ્તારમાં ઠંડીની ખાસ અસર જોવા મળતી નથી. અમુક શહેરોને બાદ કરતાં લઘુતમ તાપમાન ૧૫ ડીગ્રી આસપાસ જોવા મળે છે.

વ્હેલી સવારે અને રાત્રીના સમયે ઠંડીનો વધુ અહેસાસ થઈ રહ્યો છે. ઘર, ઓફિસ, દુકાનોમાં પંખા, એસી બંધ થઈ ગયા છે અથવા તો ધીમા થઈ ગયા છે. દિવસ દરમ્યાન પણ ગરમીનો ઓછો અનુભવ થઈ રહ્યો છે.

હવામાન ખાતાએ જણાવ્યું છે કે હાલમાં ઠંડીનો પારો ૧૦ થી ૧૫ ડીગ્રી આસપાસ રહેશે. વેસ્ટર્ન ડીસ્ટર્બન્સની અસરથી જમ્મુ કાશ્મીરમાં આજે અને આવતીકાલે બરફવર્ષા થશે. જયારે જમીની વિસ્તારોમાં વરસાદ પડશે. જેની અસરથી સૌરાષ્ટ્ર- ગુજરાતમાં આગામી શનિવારથી બે- ત્રણ દિવસ સુધી ફરી ઠંડીના ચમકારા અનુભવાશે.

(11:32 am IST)