Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

કપાસની જોરદાર આવક : રૂની સિઝન જામી : ૬૫૦ જેટલી જિનીંગ મિલોમાં શરૂ થયો ધમધમાટ

કપાસનો ઉંચો ભાવ મળતા ખેડૂતો રાજીઃ રોજ ૪૦ થી ૫૦ હજાર ગાંસડી રૂનું ઉત્પાદન : આ મહિને ૭ લાખ ગાંસડીની નિકાસની શકયતા

નવી દિલ્હી,તા.૨૫ : કપાસની આવક ચરમસીમાએ પહોંચતા રૂની સિઝન બરાબર જામી છે. ગુજરાતમાં હવે અઢીથી ત્રણ લાખ મણ કપાસનો પુરવઠો નિયમિત મળવા લાગ્યો છે. પરિણામે રાજયભરમાં પથરાયેલી આશરે ૬૫૦ જેટલી જિનીંગ મિલોમાં રૂનું પ્રેસિંગ પૂરપાટ થવા લાગ્યું છે. હવે  આશરે બે માસ સુધી તો તમામ જિનીંગ મિલો જોરશોરથી ચાલશે તેવી આશા રૂના બ્રોકરોએ વ્યકત કરી હતી.

ગુજરાતભરમાં આમ તો ૧૦૦૦ જેટલા જિન આવેલા છે. જોકે એમાંથી ઘણાખરાં એનપીએ થઇ ચૂકયા છે. તો ઘણા જિન શરૂ થતા નથી. આમ આ વર્ષે પણ ગઇ સીઝનની માફક ૬૫૦ જેટલા જિનોમાં કામકાજ શરૂ થયા છે. ઉદ્યોગ હવે પૂર્ણપણે શરૂ થઇ ચૂકયો છે. એમાં હવે રોજ ૪૦ થી ૫૦ હજાર ગાંસડી રૂનું ઉત્પાદન થવા માંડ્યું છે.

રૂ બજારમાં દિવાળી પૂર્વેથી તેજીનો માહોલ છે. સોમવારે રૂ. ૪૨૪૦૦નો ભાવ થયો હતો. સિઝનનો ટોચનો ભાવ છે એ કારણે જિનોને અત્યારે તો વળતર પણ મળે છે એટલે જિનો સારી રીતે ચાલી રહી છે. જિનો નવો જૂનો કપાસ કે પરપ્રાંતનો કપાસ પણ સાથે ચલાવતી હોવાથી ડિસ્પેરીટી મોટેભાગે રહેતી નથી. છતાં જિનો અત્યારે હેન્ડ ટુ માઉથ કામકાજ કરી રહી છે. સારા કપાસની મળતર ઓછી છે એટલે માલ એકઠો કરીને વેંચવાનું વલણ મોટાંભાગના જિનો અપનાવી રહ્યા છે. ભાવમાં તેજી છે એ કારણે સ્ટોક ભેગો કરવામાં પણ અત્યારે કોઇનું મન નથી.

અમદાવાદના બ્રોકર અજયભાઇ શાહ કહે છે, 'રૂની ખપત પણ સારી છે એટલે જિનો માલ બનાવે તે વેચાઇ જાય છે. બીજી તરફ યાર્ડો કે જિનોમાં કપાસનો સારો ભાવ મળતો હોવાથી સીસીઆઇને કપાસ મળતો નથી. આ વર્ષે કદાચ સીસીઆઇને ઓછો માલ મળશે તેમ જણાય છે.'

તેમણે કહ્યું કે, ઓકટોબરમાં આશરે ૭ લાખ ગાંસડી નિકાસ થઇ છે. નવેમ્બરમાં પણ ૭ લાખ ગાંસડી જાય તેવી ધારણા છે. આમ બે માસમાં ૧૪ લાખ ગાંસડીનો નિકાસનો આંકડો ઘણો સારો છે. વિયેટનામ, ઇન્ડોનેશિયા, બાંગ્લાદેશ, ચીન અને તૂર્કી જેવા આપણા મુખ્ય બાયર દેશોમાં ધીરે ધીરે પણ સારી રવાનગી થાય છે.

બ્રોકર અરૂણભાઇ દલાલના કહેવા પ્રમાણે કડી આસપાસના જિનોને સારું વળતર છે કારણકે ત્યાં કપાસિયાં વેચવા માટે સરળતાથી અને નજીકમાં તેલ મિલો મળી જાય છે. સૌરાષ્ટ્રમાંથી બહાર મોકલવા પડતા હોવાથી પડતર થોડી વધી જાય છે. પરંતુ અત્યારે બહુ સમસ્યા નથી.

સૌરાષ્ટ્રમાં કપાસનો ભાવ મણે સરેરાશ રૂ. ૯૦૦-૧૨૨૦ સુધી ચાલે  છે. બજાર ઘટે તો સીસીઆઇ બજારમાં ખરીદી માટે તૈયાર છે એ કારણે ખેડૂતોને બન્ને હાથમાં લાડવા જેવી સ્થિતિ છે. જિનો ઉંચા ભાવમાં માલ નહીં ખરીદે તો ખેડૂતો સીસીઆઇના દ્વારે જશે એટલે જિનોને સરવાળે કાચા માલની સમસ્યા થશે. આમ જિનોએ અત્યારે ફરજિયાતપણે ખેડૂતોને આકર્ષક ભાવ ચૂકવવો પડે તેવી સ્થિતિ છે. જાનિંગ મિલોને એ જોતા આખું વર્ષ સીસીઆઇ સાથે હરિફાઇ કરવાની આવશે. (૨૫.૨)

(9:56 am IST)