Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

કોંગ્રેસ મારા પર એક કેસ સાબિત કરી બતાવવા પાટીલનો ખુલ્‍લો પડકારો: રાજનીતિ છોડી દેવાનું પણ વચન આપ્‍યું

ગાંધીનગર: ગુજરાત પેટાચૂંટણીમાં મતદાન આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે તમામ ઉમેદવારો મતદારોને રિઝવવા માટે શક્ય એટલા તમામ પ્રયત્ન કરી રહ્યા છે. ચૂંટણી પ્રચારમાં  આરોપ-પ્રત્યારોપ પણ શરૂ થઈ ગયા છે, ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે કોંગ્રેસને પડકાર ફેક્યો છે.

કોંગ્રેસના આરોપો પર પલટવાર કરતાં ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલે કહ્યું કે, વિપક્ષ મારા પર એક પણ કેસ સાબિત કરીને બતાવશે, તો તેઓ રાજનીતિ છોડવા માટે તૈયાર છે.

સીઆર પાટીલે કહ્યું હતું કે, કોંગ્રેસ તેમને સતત બદનામ કરવાનો પ્રયત્ન કરી રહી છે. તેમના પર એક પણ કેસ સાબિત નથી થયો અને આજની તારીખમાં પણ કોઈ કેસ નથી. જો કોંગ્રેસ કોઈ કેસ સાબિત કરીને દેખાડશે, તો તેઓ રાજકારણ છોડવા માટે તૈયાર છે.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ નેતા અમિત ચાવડા અને પૂર્વ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયાએ પાટીલ પર અનેક કેસો ચાલતા હોવાની વાત કરીને ભાજપ પર નિશાન સાધ્યું હતું. જ્યારે હાર્દિક પટેલે પણ ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે, BJPને ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષના પદ પર કોઈ લાયક નેતા નહતો મળતો. આથી તેમણે બહારના વ્યક્તિને અધ્યક્ષ બનાવ્યા છે. કોંગ્રેસના આરોપો પર પલટવાર કરતાં સીઆર પાટીલે   તેના નેતાઓને સીધો પડકાર ફેંક્યો છે.

જણાવી દઈએ કે, સુરતમાં ભાજપની ચૂંટમી સભામાં ઈંડા ફેંકવાના આરોપમાં પોલીસે કોંગ્રેસ કોર્પોરેટરના પતિની ધરપકડ કરી છે. જે બાદ ભાજપના મીડિયા પ્રભારી પ્રશાંત વાળાને આકરી પ્રતિક્રિયા આપતા સમગ્ર ઘટનાને વખોડતા જણાવ્યું હતું કે, અમે તો પહેલેથી કહેતા હતા કે, આવા કાળા કામો કોંગ્રેસના છે. કોંગ્રેસનો કાળો ચહેરો આજે વધુ એકવાર ખુલ્લો પડી ગયો છે. ભાજપને ચુંટણીની સીધી લડાઇમાં કોંગ્રેસ પહોંચી શકે તેમ નથી. કોંગ્રેસ પાસે કોઇ મુદ્દા કે નેતુત્વ નથી. એટલે કોંગ્રેસ આવી નિમ્નકક્ષાની હરકત પર ઉતરી આવી છે.

(3:37 pm IST)