Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

સુરતના અઠવા ઝોનમાં મેઘમયુર એપાર્ટમેન્ટમાં એકીસાથે 9 લોકો કોરોના પોઝીટીવ મળતા આરોગ્ય તંત્રમાં દોડધામ

રાંદેર ઝોનમાં પાલની એક સોસાયટીમાં એક સાથે 4 કોરોના પોઝિટિવ કેસ : મેઘ મયુર એપાર્ટમેન્ટને સીલ મારી દેવાયું : બે ગાર્ડ પણ મુકાયા : એપાર્ટમેન્ટના એ અને બી વિંગમાં 72 ફ્લેટ : એ વીંગમાં આઠ અને બી વીંગમાં એક કોરોનાનો કેસ નોંધાયા

સુરત:  શહેરના અઠવા અને રાંદેર ઝોનમાં કોરોનાએ માથું ઊંચક્યું છે. અઠવા ઝોનમાં આવેલ મેઘ મયુર એપાર્ટમેન્ટ સીલ કરી દેવામાં આવ્યું છે. 2 દિવસમાં 9 કોરોના પોઝિટિવ આવતા એપાર્ટમેન્ટ સીલ કરી દેવામાં આવ્યું છે. આ સિવાય અડાજણ વિસ્તારમાં પણ એક એપાર્ટમેન્ટ સીલ કરી દેવામાં આવ્યાનું જાણવા મળ્યું છે. આ સાથે કોરોનાગ્રસ્ત લોકોના સંપર્કમાં આવેલા લોકોના પણ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

સુરત મનપા કમિશ્નર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, અઠવાના મેઘ મયુર અને અડાજણના એક એપાર્ટમાં કોરોનાના કેસ નોંદાયા છે. સુરતમાં લોકો તકેદારી રાખે. તકેદારી નહીં રાખે તો કેસોમાં વધારો થઈ શકે છે. તેમણે લોકોને માસ્ક પહેરવા સલાહ આપી છે. એક જ એપાર્ટમેન્ટમાં એકી સાથે 9 લોકોને પોઝીટીવ કેસો આવતા પાલિકા ચિંતામાં છે. સુરત પાલિકાનું આરોગ્ય વિભાગ દોડતું થયું છે. પાલિકા દ્વારા બંને એપાર્ટમેન્ટને સીલ કરવામાં આવ્યા છે. 9 લોકોના સંપર્કમાં આવેલ લોકોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે. એપાર્ટમેન્ટ કોઈરાન્ટાઇન કરી બે ગાર્ડ મુકવામાં આવ્યા છે.

મેઘ મયુરમાં SMCના ગાર્ડ તૈનાત કરાયા છે. બહારથી કોઈ અંદર પ્રવેશે નહીં અને એપાર્ટમેન્ટની બહાર બીજા કોઈને જવા પર પાબંધી લગાવી દેવામાં આવી છે. રાંદેર ઝોનમાં પાલની એક સોસાયટીમાં એક સાથે 4 કોરોના પોઝિટિવ આવ્યા છે.  જે મેઘ મયુર એપાર્ટમેન્ટને સીલ મારી દેવાયું છે, તેના એ અને બી વિંગમાં 72 ફ્લેટ છે. એ વીંગમાં આઠ અને બી વીંગમાં 1 કોરોનાનો કેસ નોંધાયા છે. સૌથી પહેલા એ વીંગમાં ચાર લોકોને કોરોના થયો હતો. જેઓ પાલનપુરમાં જૈન સંવત્સરી કાર્યક્રમમથી પરત આવ્યા હતા. તમામ લોકો હોમ ક્વોરેન્ટાઇનમાં છે.

(11:13 pm IST)