Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

અમદાવાદ શ્રેણીબધ્ધ બોંબ બ્લાસ્ટ કેસમાં 77 આરોપીઓ સામે સરકારની ફાઇનલ દલીલો પૂર્ણ

રિયલ બ્લાસ્ટ કેસ- કાવતરામાં સામેલ આરોપી અયાઝે તાજના સાક્ષી તરીકે જુબાની આપી: 51 લાખથી વધુ પેપરનો ચાર્જશીટમાં ઉપયોગ

અમદાવાદ : 26 જુલાઇ 2008ના રોજ અમદાવાદ શહેરમાં થયેલા શ્રેણીબધ્ધ બોમ્બ બ્લાસ્ટને 12 વર્ષ થઇ ગયા છે. ત્યારે આ બોંબ બ્લાસ્ટના કેસમાં હવે 77 આરોપીઓ સામે સરકારે ફાઇનલ દલીલો પૂર્ણ કરી દીધી છે. હવે આરોપીઓની દલીલો શરૂ કરવામાં આવશે. બીજી તરફ આ કેસમાં કાવતરા અને બ્લાસ્ટ કરવામાં સામેલ એવો અયાઝ સૈયદ નામનો આરોપી તાજનો સાક્ષી બની ગયો છે અને તેણે સાક્ષી તરીકે કોર્ટમાં જુબાની આપી હતી. આ કેસમાં 1163 સાક્ષીઓની જુબાની લેવાઇ ચુકી છે. જ્યારે 1237 સાક્ષીઓને પડતા મુકવામાં આવ્યા છે. આ કેસમાં મોટાભાગના સાક્ષીઓએ ફીટ જુબાની આપી હતી.

શહેરમાં થયેલા સીરીયલ બોંબ બ્લાસ્ટમાં 58 લોકોના મોત અને સંખ્યાબંધ લોકો ઘાયલ થયા હતા. આ મામલે અમદાવાદમાં કુલ 20 અને સુરતમાં બોમ્બ મુકી બ્લાસ્ટ કરવાના ષડયંત્ર મામલે 15 ફરિયાદ થઇ હતી. આમ કુલ 35 કેસો એકસાથે ભેગા કરી દેવામાં આવ્યા છે. આ કેસમાં 78 આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. તેમની સામે જુદી જુદી પુરવણી ચાર્જશીટ પણ કરી દેવામાં આવી છે. આ કેસ ખાસ કોર્ટમાં ચાલી રહ્યો હતો.

ત્યારે 78 પૈકી અયાઝ સૈયદ નામના આરોપીએ આ કેસમાં તાજના સાક્ષી બનવા માટે તૈયારી દર્શાવી હતી. જેથી સરકારે તેને તાજનો સાક્ષી ગણી તેની જુબાની લીધી હતી. જેમાં તેણે બ્લાસ્ટનું કાવતરું કઇ જગ્યાએ, કેવી રીતે અને કોણે કોણે ઘડ્યું, બ્લાસ્ટ કરવામાં કોની કઇ ભૂમિકા હતી સહિતની વિગતો જણાવી હતી. જેથી ખાસ સરકારી વકીલ અમિત પટેલે તેમની અંતિમ દલીલોમાં પણ આ મુદ્દો રજૂ કરી કેસ સાબીત થતો હોવાનું જણાવ્યું છે. આ કેસમાં સરકારે ત્રણ મહિનામાં ફાઇનલ દલીલો પૂર્ણ કરી દીધી છે. ત્યારે આ કેસનો ચુકાદો આ વર્ષે આવે તેવી શક્યતા દેખાઇ રહી છે.

બ્લાસ્ટના કુલ 34 કેસ છે અને આ કેસોમાં જુદા જુદા 521 જેટલા ચાર્જશીટ કરવામાં આવ્યા છે. એક ચાર્જશીટમાં 9800 પાનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી અંદાજે ચાર્જશીટમાં 51 લાખ પાના વાપરવામાં આવ્યા છે. ઉપરાંત આરોપીઓના ફર્ધર સ્ટેટમેન્ટમાં પણ લાખો પાના વાપરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

આ કેસમાં તાજના સાક્ષી બન્યા બાદ અયાઝ સૈયદની જુબાની લેવામાં આવી હતી. ત્યારબાદ તેણે હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. જે અરજી હાઇકોર્ટે ચોક્કસ શરતોને આધારે ગ્રાહ્ય રાખતા તે જામીન મુક્ત થયો છે. નોંધનીય છે કે, આ કેસમાં કોઇ આરોપીને રેગ્યુલર જામીન મળ્યા હોય તેવો અયાઝ સૈયદ એક માત્ર આરોપી છે. આ સિવાય એક આરોપીને સ્કીઝોફેનીયા નામની બીમારી હોવાથી કોર્ટે તેને વચગાળાના જામીન પર મુક્ત કર્યો હતો.

(11:12 pm IST)