Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

સોલા ખાતે ઉમિયા માતાજીનું શિખરબધ્ધ મંદિર બનાવાશે : 1500 કરોડના વિકાસ પ્રોજેક્ટ જાહેર

દિકરા-દિકરીઓ ઉપરાંત વર્કીંગ વુમન માટે હોસ્ટેલ બનાવાશે. તેમ જ મેડિકલ સેન્ટર ઊભું કરાશે

અમદાવાદ : સોલા ખાતે ઉમિયા માતાજીનું શિખરબધ્ધ મંદિર સહિતના 1500 કરોડના વિકાસ પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટમાં દિકરા-દિકરીઓ ઉપરાંત વર્કીંગ વુમન માટે હોસ્ટેલ બનાવાશે. તેમ જ મેડિકલ સેન્ટર ઊભું કરવામાં આવશે તેવી જાહેરાત ઉમિયા માતાજી સંસ્થાન- ઊંઝા દ્વારા કરવામાં આવી હતી.

શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝાના પ્રમુખ મણિભાઇ પટેલ, માનદ્દ મંત્રી દિલીપભાઇ પટેલ તથા ઉમિયાધામ સોલા વિકાસ પ્રોજેક્ટ સમિતિના ચેરમેન બાબુભાઇ જે. પટેલ ( બીજેપી ) તેમ જ સી.કે. પટેલે જણાવ્યું હતું કે, ઉંઝા સંસ્થાન દ્વારા સમગ્ર ગુજરાતના આર્થિક પાટનગર અને કડવા પાટીદારના હબ એવા અમદાવાદ શહેરમાં સમાજના ઉત્કર્ષ માટે ધાર્મિક-સામાજીક અને આરોગ્ય જેવા વિષયોને ધ્યાનમાં રાખીને એસ.જી. હાઇવે પરના સોલા ખાતેના 74 હજાર ચો.વાર જમીનમાં ધર્મ સંકુલ, શિક્ષણ સંકુલ, આરોગ્ય સંકુલ, પાર્ટી પ્લોટ, બેન્કવેટ હોલ, ભોજનાલય, વિશ્રાંતિ ગુહ જેવા જુદા જુદા વિભાગોનું નિર્માણ થઇ રહ્યું ચે. આ સમગ્ર પ્રોજેક્ટ 1500 કરોડના ખર્ચે તૈયાર થશે.

તેઓએ જણાવ્યું કે, હાલના સંકુલમાં ઉમિયા માતાજીનું મંદિર છે. પરંતુ હવે શિખરબધ્ધ મંદિર બનાવવામાં આવશે. આવતા-જતાં દરેક લોકો દર્શન કરી શકે તેવું અદ્દભૂત મંદિર બનાવવામાં આવશે. આ ઉપરાંત બહારગામથી અભ્યાસ અર્થે અમદાવાદ આવતા દિકરા- દિકરીઓ કે પછી નોકરી માટે અમદાવાદ કે ગાંધીનગર આવતી વર્કીંગ વુમન માટે 13 માળનું બિલ્ડીંગ ઊભું કરવામાં આવશે. જેમાં 400થી વધુ રૂમોની સુવિધા સાથેની હોસ્ટેલ બનાવાશે. જયાં 1200થી વધારે વિદ્યાર્થીઓ રહી શકે તેવી અત્યાધુનિક હોસ્ટેલ રહેશે. જયારે 250થી વધારે વિદ્યાર્થીઓ સાથે બેસીને જમી શકે એવો ડાઇનીંગ હોલ હશે. હોસ્ટેલની અંદર ઇન્ડોર ગેમની સુવિધા ઉપલબ્ધ હશે. હોસ્ટેલમાં ઇ-લાઇબ્રેરી અને અત્યાધુનિક સગવડો હશે. અને 1 હજાર કારનું પાર્કીંગ થઇ શકે તેવી વ્યવસ્થા માટે બે માળના પાર્કીંગની વ્યવસ્થા કરવામાં આવશે. ચાર એન્ટ્રી ગેટ અને ચાર એક્ઝીટ હશે. આ તમામ બાબતો અમદાવાદ તથા બહારગામથી આવતાં લોકો માટે એક નજરાણું બની રહેશે.

તેઓએ વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, મંદિર પરિસરમાં વિશ્રાતિ ગુહ તેમ જ ભોજનાલય બનાવવામાં આવશે. તેમાં નાત-જાતના ભેદ કે ધર્મના બંધન વગર સૈ કોઇ લાભ લઇ શકશે. તમામ બાબતો માત્ર પાટીદાર સમાજ માટે નહીં દરેક લોકો માટે રહેશે. મતલબ કે સૈનો સાથ, સમાજનો વિકાસ અમારો મંત્ર છે.

(11:07 pm IST)