Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ : ઓરસંગમાં ઘોડાપુર : જિલ્લાની અન્ય નદીઓ પણ ગાંડીતૂર બની

રાજવાસણા ડેમ ઓવરફ્લો: અશ્વિની અને મેણ નદી કવાંટ ની ટોકરવા, ધામણીમાં અને દુદવાલ, બોડેલીની હેરણ નદીમાં પુર આવ્યા

છોટાઉદેપુર: છોટાઉદેપુર જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ  થયો છે,જોરદાર પવન સાથે શરૂ થયેલા વરસાદના કારણે જિલ્લાની નદીઓ, ડેમ, નાળામાં પાણી ભરાઇ ગયા હતા. છોટાઉદેપુરની ઓરસંગ નદીમાં તો ઘોડાપુર આવ્યા હતા. આ ઉપરાંત છોટાઉદેપુર જિલ્લાનો રાજવાસણા ડેમ ઓવરફ્લો થયો હતો. ડુંગર વિસ્તારમાંથી આવતી નસવાડી તાલુકાની અશ્વિની અને મેણ નદી કવાંટ ની ટોકરવા, ધામણીમાં અને દુદવાલ, બોડેલીની હેરણ નદીમાં પુર આવ્યા હતા. છોટાઉદેપુર તથા કવાંટ તાલુકામાં તો છેલ્લા ચોવીસ કલાકમાં છ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.

છોટાઉદેપુર જિલ્લામાં વહેલી સવારે ચાર વાગ્યાથી ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી. વધુ વરસાદ વરસતા નગરના નીચાણવાળા વિસ્તારોમાં મંગળબજાર, જિલ્લાના ઉંચ્ચ અધિકારીઓના નિવાસસ્થાન પંચવટી બંગલો, શ્રીજી સોસાયટી ઓલ્ડ પેલેસ કંપાઉન્ડ જેવા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જિલ્લામાં બે કલાકમાં ત્રણ ઇંચ જેવો વરસાદ વરસતા ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાઇ ગયા હતા. ઉપરવાસ મધ્યપ્રદેશમાં પણ વધુ વરસાદ થતાં ઓરસંગ નદીમાં ઘોડાપુર આવતાં નદી ગાંડીતુર બની હતી.

(7:09 pm IST)