Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

અમદાવાદમાં પરિમલ ગાર્ડન પાસેના કોમ્પલેક્ષમાં આગ ભભૂકી : ફાયરના જવાનો કાચ તોડી અંદર પ્રવેશ્યા: મોટી દુર્ધટના ટળી

ખાનગી ઓફિસના સર્વર રૂમમાં આગ લાગી:ફાયર વિભાગની 8-10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી: ALP સ્કાય લીફ્ટની મદદથી બાળકો સહિત 75 લોકોનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડાયા

અમદાવાદ : અમદાવાદમાં ભિષણ આગની ઘટના બની છે,શહેરના પરિમલ ગાર્ડન પાસે આવી એક બિલ્ડિંગના ત્રીજા માળે આગ ફાટી નીકળી હતી. આગ લાગતા બિલ્ડિંગમાં નાસ-ભાગ મચી હતી. જોકે ફાયર બ્રિગેડે ALP સ્કાય લીફ્ટની મદદથી 75 લોકોને બચાવ્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ શહેરમાં પરિમલ ગાર્ડન પાસે આવેલા દેવ કોમ્પ્લેક્સના ત્રીજા માળે આજે બપોરે આગ લાગી હતી. મહત્વનું છે કે આ જ બિલ્ડિંગમાં ત્રણથી ચાર હૉસ્પિટલ પણ આવેલી છે. જેથી ભીષણ આગના કારણે બાળકો સહિત 75 લોકો ફસાયા હતા. આગ લાગતા બિલ્ડિંગમાં અફરા-તફરીન માહોલ જોવા મળ્યો હતો. આ બનાવની જાણ થતા જ ફાયર વિભાગની 8-10 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.

ઘટના સ્થળે પહોંચી ફાયર ફાયટરની ટીમ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. લોકોને રેસ્ક્યૂ કરવા માટે ALP સ્કાય લીફ્ટની મદદ લેવામાં આવી હતી. પરંતુ રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન બિલ્ડિંગની દીવાલ તોડવી પડી હતી. હોસ્પિટલમાંથી 13 બાળકો સહિત 75 લોકોનું રેસ્ક્યૂ કરાયું છે. આ વિશે વાત કરતાં ફાયર ઓફિસર ઓમ જાડેજાએ જણાવ્યું હતું કે, સમયસૂચકતા વાપરીને આગથી બચવા લોકો અગાસી પર ચઢી ગયા હતા. જેથી ALP સ્કાય લીફ્ટની મદદથી લોકોને ગ્રાઉન્ડ ફ્લોર પર સહિસલામત લાવવામાં આવ્યા હતા. આ બાદ તમામને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હાલમાં કોઈ પણ વ્યક્તિ બિલ્ડિંગમા નથી. કલાકની જહેમત બાદ ફાયર ફાયટરો દ્વારા આગ સંપુર્ણપણે કાબુમાં લેવામાં આવી છે. સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ ન હતી.

(8:41 pm IST)