Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

વડોદરાના વાઘોડિયા તાલુકાના રવાલ ગામે હાઇવે પર બાઈક લઈને જતા દંપતીને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા પતિએ ઘટનાસ્થળેજ દમ તોડ્યો

વડોદરા: વાઘોડિયા તાલુકાના રવાલ ગામે રહેતા વેપારીના   ભત્રીજાના ઘરે  પુત્રનો જન્મ થયો હતો.વેપારી તેમના પત્ની સાથે પૌત્ર માટે ચાંદીનું કડું ખરીદવા બાઇક લઇને પાદરા જતા હતા.તે સમયે કપુરાઇ બ્રિજ પાસે કોઇ વાહનચાલકે બાઇકને ટક્કર મારતા પતિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું.જ્યારે પત્નીને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.પરંતુ, સારવાર મળે તે પહેલા જ તેનું  પણ મોત થયું હતું.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,વાઘોડિયા તાલુકાના રવાલ ગામે દૂધ ડેરી બારિયા ફળિયામાં રહેતા મણીલાલભાઇ ગોહિલ (ઉ.વ.૫૧)ના ભત્રીજા બિપીનના ઘરે દીકરાનો જન્મ થયો હતો.જેથી,મણીલાલ અને તેમના  પત્ની સીતાબેન સાથે બાઇક લઇને પાદરા ખાતે ચાંદીનું કડું ખરીદવા માટે ગઇકાલે બપોરે નીકળ્યા  હતા.રવાલ થી નીકળીને તેઓ કપુરાઇ બ્રિજ થઇ પાદરા  જતા હતા.તે સમયે એક અજાણ્યા વાહન ચાલકે તેઓની બાઇકને ટક્કર મારતા પતિ પત્ની રોડ પર ફંગોળાયા હતા.માથામાં  ગંભીર ઇજા થતા મણીલાલનું ઘટના સ્થળે જ કરૃણ મોત નિપજ્યું હતું.જ્યારે તેમના પત્ની સીતાબેનને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.જે અંગે મણીલાલના નાના ભાઇ કનુભાઇએ મકરપુરા  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી અકસ્માત કરીને ભાગી ગયેલા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.

(6:09 pm IST)