Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

પેટલાદના બે શખ્સોએ આણંદના વેપારીને મોબાઈલ લોક ખોલવાના બહાને 6 લાખની ઠગાઈ આચરતા ગુનો દાખલ

આણંદ : પેટલાદના બે શખ્સોએ આણંદના એક વેપારીને ખોટા નંબરો તેમજ ફેક આઈ.ડી. દ્વારા ફ્લીપકાર્ટમાંથી ૭૦ ટકા રકમ ભરી ઓનલાઈન ખરીદેલ ૮૦૦ જેટલા મોબાઈલ ફોન વેચાણ આપી આ મોબાઈલ ફોનના લોક ખોલી આપવાના બહાને રૂા.૬ લાખનો ચૂનો ચોપડયો હોવા અંગે આણંદ સાઈબર ક્રાઈમ પોલીસ મથકે ફરીયાદ નોંધતા પોલીસે ગણતરીની મિનિટોમાં પેટલાદના ત્રણ ભેજાંબાજને ઝડપી પાડયા હતા. જ્યારે અન્ય બે શખ્સોને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

  આણંદ શહેરના પોલસન ડેરી રોડ પર આવેલા સહયોગ સોસાયટી ખાતે રહેતા અબ્દુલ અહર ઐયુબભાઈ વ્હોરા થોડા વર્ષ પૂર્વે પેટલાદના ઈમરાનભાઈ વ્હોરા તથા મહેબૂબભાઈ વ્હોરાના સંપર્કમાં આવ્યા હતા. પેટલાદ ખાતે રહેતા આ બંને શખ્સોએ ફ્લીપકાર્ટ કંપનીમાંથી ૭૦ ટકા રકમ ભરીને આશરે ૮૦૦ જેટલા મોબાઈલ ફોન ખરીદ્યા હતા ત્યારબાદ વર્ષ-૨૦૨૦થી આણંદ ખાતે રહેતા અબ્દુલ અહદ વ્હોરાને વિશ્વાસમાં લઈ ખોટા નંબરો તેમજ ફેક આઈ.ડી. બનાવી ઓનલાઈન મોબાઈલ ખરીદ્યા હોવાની હકીકત છુપાવી આ મોબાઈલ ફોન વેચાણથી આપી દીધા હતા. બાદમાં બાકી પડતી ૩૦ ટકા જેટલી રકમ પણ પેટલાદના આ બંને શખ્સોએ ભરી નહોતી અને ૧૫૦ જેટલા મોબાઈલ ફોનના લોક ખોલી આપવાના બહાને રૂા.૬ લાખ જેટલી રકમ આણંદના વેપારી અબ્દુલ અહદ પાસેથી લઈ વિશ્વાસઘાત અને છેતરપીંડી આચરી હતી. આ બનાવ અંગે અબ્દુલ અહદ વ્હોરાએ ઈમરાનભાઈ વ્હોરા અને મહેબુબભાઈ વ્હોરા વિરુધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને વિરુધ્ધ ગુનો નોંધી ઓનલાઈન મોનીટરીંગ અને અલગ-અલગ શોપિંગ કંપનીના ડેટાનું એનાલીસીસ કરી બોગસ આઈડી અને સીમકાર્ડના આધારે હપ્તાવાળા મોબાઈલો ખરીદી બજારમાં વેચાણ કરી ફ્લીપકાર્ડ કંપની દ્વારા લોક થઈ જતા મોબાઈલના લોક ખોલવાના બહાને ગ્રાહકો પાસેથી ચાર્જ વસૂલી છેતરપીંડી કરતા નિલેશ કિશોરભાઈ લખવાણી અને મહેબૂબભાઈ અબ્દુલભાઈ વ્હોરા અને ઈમરાનભાઈ નૂરમહંમદભાઈ વ્હોરા મળી ત્રણેયને પકડી પાડયા હતા. જ્યારે આ રેકેટમાં સંડોવાયેલ પેટલાદના અજય ખુરાના અને મીત સોલંકીને ઝડપી પાડવાના ચક્રો પોલીસે ગતિમાન કર્યા છે.

(6:05 pm IST)