Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

નડિયાદની કબ્રસ્તાન ચોકડી નજીક મોબાઈલ ટાવર પર ચડી દારૂડિયાએ ધમાલ મચાવતા અફડાતફડી મચી જવા પામી

નડિયાદ : નડિયાદ કબ્રસ્તાન ચોકડી નજીક આવેલા મોબાઇલના ટાવર પર ચઢી એક દારૂડિયાએ ધમાલ મચાવી હતી. ગુરૂવાર રાત્રે ૧૫૦ ફુટ ઉંચા ટાવર પર ચઢી દારૂડિયા યુવકે વંદે માતરમ અને ભારત માતાની જયના નારા લગાવતા આજુબાજુના વિસ્તારના લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. બનાવની જાણ થતા નડિયાદ ટાઉન પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પરંતુ પોલીસ આવે તે પહેલા સ્થાનિક લોકોની સમજાવટથી દારૂડિયો યુવાન ટાવર પરથી હેમખેમ નીચે ઉતરી જતા લોકો વિખરાઈ ગયા હતા.

૧૫૦ ફુટની ઊંચાઈના ટાવર પર ચઢી યુવાન ઊંચા અવાજથી ભારત માતાની જય, વંદે માતરમના નારા લગાવતા આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકો કુતૂહલ સાથે ચોકડી પર દોડી આવ્યા હતા. જોત જોતામાં લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.  ઘટનાને પગલે અફરાતફરી મચી જવા પામી હતી. ટાવર પર ચઢેલા યુવકને જોઈ લોકોએ કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે પોલીસ તેમજ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. બીજી બાજુ સ્થાનિક રહીશોએ યુવકને નીચે ઉતારવા સમજાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. છેવટે ટાવરની ટોચ પર ચઢેલ નશાખોર યુવકને નીચે ઉતારવામાં સફળતા મળી હતી.  યુવક નીચે ઉતરી જતા લોકોએ રાહત અનુભવી હતી. બીજી બાજુ નડિયાદ ટાઉન પોલીસ તેમજ ફાયર બ્રિગેડની ટીમ પણ દોડી આવી હતી. આ યુવકની પૂછપરછ કરતા પૃથ્વી અર્જુનભાઈ ભીલ રાણા (રહે. કનીપુરા,નડિયાદ, ઉં-૨૧) હોવાનું બહાર આવ્યું હતું.નડિયાદ ટાઉન પોલીસે યુવકની અટકાયત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

(6:03 pm IST)