Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

૧૯૮૧ના કાયદા હેઠળ LPG ગેસ ડિલરોને વિતરણ-વેચાણ માટે પરવાનગી લેવામાંથી મુક્તિ :આશરે ૧૦૦૦ જેટલા એલ.પી.જી ડિસ્ટ્રિબ્યુટર્સને લાભ મળશે

વડાપ્રધાન ન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે‘‘સહકારથી સમૃદ્ધિ ’’ જાહેર કાર્યક્રમ યોજાશે:વડાપ્રધાન તા. ૨૮મીએ એક દિવસના ગુજરાતના પ્રવાસે : જસદણ અને ગાંધીનગર ખાતે વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે :કેન્દ્રના ૮ વર્ષ નિમિત્તે તા.૩૧મી મેએ પીએમની ઉપસ્થિતિમાં સિમલામાં કાર્યક્રમ યોજાશે : PM કિસાન સન્માન નિધિ યોજનાનો ૧૧મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરાશે:‘‘હર ઘર ત્રિરંગાં’’ હેઠળ તા. ૧૧ થી ૧૭ ઓગસ્ટ દરમિયાન ઉજવણી કરાશે: પ્રવજત મંત્રી જીતુભાઇ વાઘાણી

અમદાવાદ : પ્રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.

પ્રવક્તા મંત્રીએ મંત્રી મંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની મીડિયાને વિગતો આપતાં કહ્યું હતું કે ગુજરાતમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ તથા મિનિમમ ગવર્નમેન્ટ,મેક્સિમમ ગવર્નન્સની સંકલ્પનાને સાકાર કરવા વર્ષ ૧૯૮૧ના કાયદા હેઠળ એલ.પી.જી. ગેસ ડિલરોને ગેસ સિલિન્ડરના વિતરણ અને વેચાણ માટે પુરવઠા ખાતા પાસેથી લેવામાં આવતા નવા પરવાનામાંથી મુક્તિ આપવામાં આવી છે. આ સિવાય હયાત પરવાનાની મુદત પુરી થતા ડિલરોએ પરવાનાને રિન્યુ કરાવવાનો રહેશે નહી. આ નિર્ણયનો લાભ રાજ્યના આશરે ૧૦૦૦ જેટલા એલ.પી.જી. ડિસ્ટ્રિબ્યુટર્સને મળશે તેમ મંત્રીએ ઉમેર્યુ હતું. 
મંત્રીએ ઉમેર્યુ કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે તા.૨૮મી મે-૨૦૨૨ના રોજ ‘‘સહકારથી સમૃદ્ધિ’’ કાર્યક્મ યોજાશે, જેમાં કેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઇ શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સહિત સહકાર ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહેશે.
મંત્રી વાઘાણીએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ  મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહની ગુજરાત મુલાકાતની માહિતી આપતાં કહ્યું કે તા. ૨૮મી મેના રોજ વડાપ્રધાન ગુજરાતની એક દિવસની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન ગુજરાત મુલાકાત દરમિયાન જસદણ ખાતે મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલનું લોકાર્પણ કરી જાહેર કાર્યક્રમને સંબોધશે અને એ જ દિવસે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાનની અધ્યક્ષતામાં યોજાનાર ‘‘સહકારથી સમૃદ્ધિ’’ સંમેલનને સંબોધશે.
મંત્રી વાઘાણી ઉમેર્યુ કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહ તારીખ ૨૭, ૨૮ અને ૨૯ મે દરમિયાન ગુજરાતની મુલાકાત લેશે. આ દરમિયાન અમદાવાદ, જામનગર, દ્વારકા, ગાંધીનગર અને ગોધરા ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમો અંતર્ગત દ્વારકાની પોલીસ કોસ્ટલ અકાદમીના તાલીમાર્થીઓ સાથે સંવાદ, અમદાવાદ ખાતેના શ્રી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ રહેલ આઈપીએલ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ નિહાળશે અને તારીખ ૨૯ મી મેના રોજ ગોધરા ખાતે પંચામૃત ડેરી ખાતે યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના આઠ વર્ષ પુર્ણ થઇ રહ્યા છે ત્યારે ત્યારે તા.૩૧મી મેના રોજ વડાપ્રધાન સિમલા ખાતેથી વર્ચ્યુઅલી સંબોધન કરશે. આઠ વર્ષની ઉજવણીના ભાગરૂપે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ૧૧મા હપ્તાના નાણાની રાશિ દેશભરના ખેડૂતોના ખાતામાં જમા કરાવશે. ગુજરાતમાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ મહાત્મા મંદિર ખાતે યોજાશે. રાજ્યના વિવિધ જિલ્લા મથકોએ પ્રભારી મંત્રીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમમો યોજાશે. જેમાં વડાપ્રધાન સિમલા ખાતેથી ગુજરાતના લાભાર્થીઓ સાથે ઇ-સંવાદ કરી આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવશે તેમ પ્રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું.
  પ્રવક્તા મંત્રીએ ક્હ્યું હતું કે પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે આઝાદીકા અમૃત મહોત્સવ નિમિત્તે આગામી તા. ૧૧ થી ૧૭ ઓગસ્ટ દરમિયાન ગુજરાત સહિત ભારતભરમાં ‘‘હર ઘર ત્રિરંગા’’ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવનાર છે. રાજ્યના નાગરિકો પોતાના ઘર પર ત્રિરંગો લહેરાવી શકે તે માટે રાજ્યના સ્વ સહાય ગૃપો દ્વારા ત્રિરંગા તૈયાર કરીને વેચાણ કરવામાં આવશે.
પ્રવક્તા મંત્રીએ કહ્યુ હતું કે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન તેમજ વિવિધ રાજ્યો- કેન્દ્રશાસિત પ્રદેશના શિક્ષણ મંત્રીઓ, શિક્ષણ સચિવો સહિત ૨૫૦-૩૦૦ જેટલા મહાનુભાવોની ઉપસ્થિતિમાં આગામી તા. ૧ અને ૨ જૂન દરમિયાન ગાંધીનગર ખાતે ‘‘નેશનલ કોન્ફરન્સ ઓન સ્કૂલ એજ્યુકેશન’’ યોજાશે. ગાંધીનગર ખાતે યોજાનાર કોન્ફરન્સમાં તા.૧લી જૂનના રોજ અલગ અલગ ટીમો દ્વારા વિધા સમીક્ષા કેન્દ્ર, બાયસેગ, એન.એફ.એસ.યુ. અને પી.ડી.ઇ.યુ.ની મુલાકાત કરવામાં આવશે. જ્યારે તા.૨ જૂનના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે નેશનલ એજ્યુકેશન પોલિસી ૨૦૨૦ના અમલીકરણ, શાળામાં ચાલતી લર્નીંગ પ્રવૃત્તિઓ તેમજ ગુજરાતની બેસ્ટ પ્રેક્ટિસીસ ઉપર વિસ્તૃત ચર્ચા યોજાશે.   
  મુખ્યમંત્રીએ ગુજરાતમાં નવા વિકાસ કામોના ટેન્ડરની પ્રક્રિયા ઝડપી બને અને વિકાસ કામોના ખાતમુહૂર્તના કામોની તારીખ નક્કી થાય તે માટે સંબંધિત વિભાગોને સૂચના પણ આપવામાં આવી છે તેમ મંત્રીએ ઉમેર્યુ હતું. 

 

(7:43 pm IST)